રૂપાણી, નીતિન પટેલ અને માંડવિયા : ભાજપ ચાન્સ આપશે કે ખાલી પતંગ ચગાવશે, આજે દિવસભર ચાલ્યા નામ

લોકસભા ચૂંટણીની જાહેરાત થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ચૂંટણી પંચ દ્વારા આગામી દિવસોમાં તારીખો જાહેર કરવામાં આવશે. આ વચ્ચે લોકસભા લડવા માટે કોને ટિકિટ મળશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ ચર્ચાઓમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલના નામ પણ ચાલી રહ્યાં છે. 

રૂપાણી, નીતિન પટેલ અને માંડવિયા : ભાજપ ચાન્સ આપશે કે ખાલી પતંગ ચગાવશે, આજે દિવસભર ચાલ્યા નામ

ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભા પહેલાં મોટા દાવપેચ ખેલાય તો નવાઈ નહીં, ભાજપના સંભવિતોની યાદી સાથે ગુજરાત અને દિલ્હી હાઈકમાન્ડના નેતાઓ ગડમથલ કરી રહ્યાં છે ત્યારે રોજ નવા નામો ચર્ચામાં આવી રહ્યાં છે. દિલ્હી હાઈકમાન્ડે પ્રથમ યાદીમાંથી કેટલીક સીટો પર ફરી નવા નામો મંગાવતાં સ્થાનિક નેતાઓ ફરી દિલ્હી પહોંચ્યા હતા. ગુજરાતમાં 26માંથી 20 સાંસદોની ટિકિટ કપાય તેવી પૂરી સંભાવના વચ્ચે ભાજપે સ્પષ્ટ કર્યું છે કે એક પણ ધારાસભ્યને ટિકિટ નહીં મળે. ભાજપમાં ટિકિટ એટલે જીતની ગેરંટી હોવાથી ભાજપના નેતાઓ સાંસદ બનવા માટે એડીચૌટીનું જોર લગાવી રહ્યાં છે. આજે ભાજપ સૂત્રોમાંથી નવા નામો બહાર આવ્યા છે. ચર્ચા એવી છે કે ગુજરાતના પૂર્વ સીએમ અને નાયબ સીએમને ભાજપ લોકસભાના ઉમેદવાર બનાવી શકે છે. 

રૂપાણીની રાજકોટ અને પોરબંદરની ચર્ચા ચાલી

પહેલાં રાજકોટ લોકસભા બેઠક ઉપર ઉપર ભાજપ હાઈ કમાન્ડ નવો અખતરો કરી શકે છે.  પૂર્વ મુખ્યમંત્રીને ચૂંટણી લડવાના નિર્ણયને પગલે વિજય રૂપાણી લોકસભાની ચૂંટણી લડી શકે છે. વિજય રૂપાણીના નામ પર આગામી સમયમાં નિર્ણય લેવાઈ શકે છે. જોકે, બાદમાં પોરબંદર માટે રૂપાણીનું નામ ચાલતું હોવાનું બહાર આવ્યું હતું. હાલમાં રાજકોટ સીટ પરથી મોહન કુંડારિયા તો પોરબંદર સીટ પરથી રમેશ ધડૂક સાંસદ છે. ભાજપ આ બંને બેઠકો પર સીટિંગ સાંસદોને પડતા મૂકે તેવી પૂરી સંભાવના છે. રાજકોટ એ ભાજપનો ગઢ ગણાય છે. અહીંથી સ્થાનિક નેતાઓના જૂથ ટિકિટ લેવા માટે પડાપડી કરી રહ્યાં છે.  જોકે,ભાજપે રૂપાણીના નામનો પતંગ ચગાવ્યો છે કે ટિકિટ આપે છે એ તો સમય આવે બતાવશે પ ૃણ રૂપાણીના રાજકોટ બાદ પોરબંદરમાં નામ ચાલતાં ઘણા નેતાઓની હવા ટાઈટ થઈ ગઈ  છે. 

અમિત શાહ સિવાય તમામ નામો માત્ર ચર્ચા

આજે કે કાલે એ ફાયનલ થઈ જશે કે અમિત શાહ ગાંધીનગરથી અને ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ સી.આર.પાટીલ નવસારીથી ચૂંટણી લડશે. ભાવનગરથી મનસુખ માંડવીયાને ભાજપ ટિકિટ આપે તેવી સંભાવના છે. માંડવિયા હાઈકમાન્ડના ખાસ હોવાની સાથે હાલમાં મંત્રી પણ છે. મનસુખ માંડવિયાને ટીકિટ આપી ભાજપ ભારતીબેન શિયાળનું પત્તું કાપી શકે છે. ચર્ચા એવી પણ છે કે જામનગરથી પૂનમ માડમ અને કચ્છથી વિનોદ ચાવડાને ભાજપ રીપિટ કરી શકે છે. જોકે, ગાંધીનગરમાં અમિત શાહના નામ સિવાય એક પણ નામ ફાયનલ નથી, ભાજપ હંમેશાંથી કોથળામાંથી બિલાડું કાઢવા માટે ફેમસ છે.  

રૂપાણીની ચર્ચા પણ ન આપવાના પણ છે કારણો

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ચંડીગઢ તેમજ પંજાબના પ્રભારીની જવાબદારી છે. ત્યારે રૂપાણીને કઈ રીતે ગુજરાતમાં ટિકિટ મળે એ સૌથી મોટો સવાલ હોવા છતાં આજે એમનું નામ ચાલ્યું છે. લોકસભામાં ભાજપ પંજાબમાં મજબૂત નથી ત્યારે રૂપાણીની જવાબદારીઓ વધી જાય છે. જોકે, ભાજપ કેટલાક પૂર્વ મુખ્યમંત્રીઓને ટિકિટ આપી ચૂંટણી લડાવવાના મૂડમાં છે. જેમાં એમપીમાં શિવરાજને ટિકિટ મળી શકે છે.  વિજયભાઈ રૂપાણીએ 2016 થી 2021 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ફરજ નિભાવી હતી. જે આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં નોંધપાત્ર સાબિત થઈ શકે એમ લાગે છે. જોકે, જો અને તો વચ્ચે ચાલતા આ નામની જાહેરાત બાદ જ સ્પષ્ટતા થશે પણ ભાજપમાં કંઈ પણ શક્ય છે. 

નીતિન પટેલની ઉમેદવારી છતાં ભાજપે નવા નામ માગ્યા

પૂર્વ સરકારમાં નાયબ મુખ્યમંત્રી જેવા મહત્વના પદો પર રહી ચુકેલા અને સંગઠનમાં મજબુત પકડ ધરાવતા નીતિન પટેલનું નામ પણ મહેસાણા માટે ચાલ્યું છે.  ભાજપ પાટીદારોને સાચવવા માટે નીતિન પટેલને ઉમેદવાર બનાવી શકે છે જોકે, ભાજપે જે બેઠકો માટે નવા નામો મંગાવ્યા હતા એમાં મહેસાણાની સીટ હતી. મહેસાણા સીટ પર નીતિન પટેલે ઉમેદવારી નોંધાવી હોવા છતાં ભાજપે અહીં નવા ઉમેદવાર માટે નામ મંગાવ્યા હતા. નીતિન પટેલ એ કડવા પાટીદાર છે. કડવા પટેલોને સાચવવા માટે ભાજપ નીતિન પટેલને ચાન્સ આપી શકે છે. કાલે મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા અને સી.આર પાટીલ ઉપરાંત મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા. ભાજપ ચર્ચાતા નામ પર ક્યારેય જુગાર ખેલતી ન હોવા છતાં આજે રૂપાણી, માંડવિયા અને નીતિન પટેલના નામ ચર્ચાયા છે. જોકે, ભાજપના ઉમેદવારો જાહેર થયા બાદ જ નક્કી થશે કે ભાજપ જૂના જોગીઓને મેદાને ઉતારે છે કે નવાને ચાન્સ આપે છે. માંડવિયાને ભાવનગરમાંથી ટિકિટ આપે તો કોળી સમાજને નારાજ કરવો પડે કારણ કે ભારતીબેન શિયાળ કોળી ઉમેદવાર છે. ભાજપ માંડવિયા માટે આ રિસ્ક લઈ શકે છે. હવે ગણતરીના કલાકો બાદ જ ખબર પડી જશે કે ભાજપ કોને ટિકિટ આપે છે અને કોનો ખાલી પતંગ ચગ્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news