વર્લ્ડ કપ 2019 AUSvsAFG: અફગાનિસ્તાનને હરાવી ઓસ્ટ્રેલિયાએ વિજય સાથે કર્યો પ્રારંભ

આઈસીસી વિશ્વ કપ 2019ના ચોથા મુકાબલામાં અફગાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. 

 વર્લ્ડ કપ 2019 AUSvsAFG: અફગાનિસ્તાનને હરાવી ઓસ્ટ્રેલિયાએ વિજય સાથે કર્યો પ્રારંભ

બ્રિસ્ટલઃ બોલરોના શાનદાર પ્રદર્શન બાદ એરોન ફિન્ચ (66) અને ડેવિડ વોર્નર ()ની અડધી સદીની મદદથી પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ અફગાનિસ્તાનને 7 વિકેટે પરાજય આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફગાનિસ્તાને 38.2 ઓવરમાં તમામ વિકેટ ગુમાવી 207 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 35 ઓવરમાં 3 વિકેટના ભોગે 209 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધો હતો. આશરે 15 મહિના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરનાર ડેવિડ વોર્નર 114 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 89 રન બનાવી અણનમ રહ્યો હતો. 

અફગાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી અને ખાતું ખોલાવ્યા વિના ઓપનિંગ બેટ્સમેન મોહમ્મદ શહજાદ પેવેલિયન પરત ફર્યો હતો. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે તેને શૂન્ય પર આઉટ કર્યો. ત્યારબાદ અફગાનિસ્તાનનો હજરતુલ્લાહ ઝાઝઈ પણ કમિન્સનો શિકાર બન્યો હતો. 

અફગાનિસ્તાને બે વિકેટ ગુમાવ્યા બાદ થોડા સમય માટે હશ્મતુલ્લાહ શાહિદી અને રહમત શાહે ટીમને સંભાળી હતી. પરંતુ 14મી ઓવરમાં શાહિદી 18 રન બનાવીને ઝમ્પાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ મોહમ્મદ નબી 7 રન બનાવી રનઆઉટ થયો હતો. નબીએ 22 બોલનો સામનો કર્યો હતો. રહમત શાહ 60 બોલમાં 43 રન બનાવી ઝમ્પાનો શિકાર બન્યો હતો. રહમત શાહે 60 બોલનો સામનો કરતા 6 ચોગ્ગા ફટકાર્યા હતા. અફગાનિસ્તાને 77 રન પર પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. 

ત્યારબાદ કેપ્ટન ગુલબદિન નાઇબ અને નજીબુલ્લાહ જાદરાને છઠ્ઠી વિકેટ માટે 83 રનની ભાગીદારી કરી હતી. ટીમનો સ્કોર 160 રન પર પહોંચ્યો ત્યારે ગુલબદિન નાઇબ (31)ને સ્ટોઇનિસે વિકેટકીપર કેરીના હાથે કેચ કરાવીને ઓસ્ટ્રેલિયાને છઠ્ઠી સફળતા અપાવી હતી. ત્યારબાદ નજીબુલ્લાહ (51) રન પર સ્ટોઇનિશની બોલિંગમાં આઉટ થયો હતો. તેણે 49 બોલનો સામનો કરતા 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. દોલત જાદરાન 4 રન બનાવી કમિન્સનો શિકાર બન્યો હતો. 

રાશિદ ખાને અંતે કેટલાક આક્રમક શોટ્સ રમીને અફગાનિસ્તાનનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો. રાશિદે 11 બોલનો સામનો કરતા 3 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 27 રન બનાવ્યા હતા. તેને ઝમ્પાએ આઉટ કર્યો હતો. અંતમાં મુઝીબ ઉર રહમાન (13)ને કમિન્સે બોલ્ડ કરીને અફગાનિસ્તાનને ઓલઆઉટ કરી દીધું હતું. 

ઓસ્ટ્રેલિયા તરફથી કમિન્સ અને ઝમ્પાએ ત્રણ-ત્રણ વિકેટ તથા સ્ટોઇનિસે બે અને સ્ટાર્કે એક વિકેટ ઝડપી હતી. 

ટીમ
ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિન્ચ, ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, એલેક્સ કેરી, નાથન કુલ્ટર નાઇલ, પેટ કમિન્સ, એડમ ઝમ્પા. 

અફગાનિસ્તાઃ મોહમ્મદ શહજાદ, હઝરતુલ્લાહ ઝાઝઈ, રહમત શાહ, હશ્મતુલ્લાહ શાહિદી, નઝીબુલ્લાહ જારદાન, મોહમ્મદ નબી, ગુલબદિન નાઇબ, રાશિદ ખાન, દૌલત જાદરાન, મુઝીબ ઉર રહમાન, હમિદ હસન. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news