DC vs SRH: સનરાઇઝર્સે દિલ્હી કેપિટલ્સને 67 રને હરાવી પાંચમી જીત મેળવી, પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને
IPL 2024: પેટ કમિન્સની આગેવાનીમાં દિલ્હી કેપિટલ્સની ટીમ કમાલનું પ્રદર્શન કરી રહી છે. હૈદરાબાદે સાત મેચમાં ત્રીજીવાર 250થી વધુ રન ફટકારી દિલ્હી કેપિટલ્સને 67 રને પરાજય આપ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટ્રેવિસ હેડ (32 બોલ, 89 રન), અભિષેક શર્મા (46 રન) ની વિસ્ફોટક બેટિંગ બાદ ટી નટરાનની 4 વિકેટની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 67 રને પરાજય આપ્યો છે. આઈપીએલ-2024માં સનરાઇઝર્સ હૈદરાબાદે ત્રીજીવાર 250થી વધુ રન ફટકારી દીધા હતા. દિલ્હી કેપિટલ્સ સામે ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 7 વિકેટે 266 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સ 19.1 ઓવરમાં 199 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદની આ પાંચમી જીત છે.
ફ્રેઝર-મેકગર્કની આક્રમક અડધી સદી
મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં પૃથ્વી શો 16 રન બનાવી સુંદરનો શિકાર બન્યો હતો. ડેવિડ વોર્નર પણ માત્ર 1 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ઓસ્ટ્રેલિયાના બેટર ફ્રેઝર-મેકગર્કે બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. મેકગર્કે 18 બોલમાં 5 ચોગ્ગા અને 7 સિક્સ સાથે 65 રન ફટકાર્યા હતા. ફાસ્ટ અને સ્પિનર બોલરો સામે મેકગર્કે દમદાર છગ્ગા ફટકાર્યા હતા. આઈપીએલમાં આ તેની બીજી અડધી સદી છે. હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.
અભિષેક પોરેલ 22 બોલમાં 7 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 42 રન બનાવી આઉટ થયો હતો. ટ્રિસ્ટન સ્ટબ્સ 10 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે લલિત યાદવે 7 રન બનાવ્યા હતા. અક્ષર પટેલ 6 રન બનાવી નટરાજનનો શિકાર બન્યો હતો. રિષભ પંત 44 રન બનાવી આઉટ થયો હતો.
હૈદરાબાદ તરફથી ટી નટરાજને 4 ઓવરમાં 19 રન આપી ચાર વિકેટ લીધી હતી. આ સિવાય મયંક માર્કન્ડે, નીતિશ રેડ્ડીને બે-બે તથા ભુવનેશ્વર અને વોશિંગટન સુંદરને એક-એક વિકેટ મળી હતી.
સનરાઇઝર્સ હૈદરાબાદે ત્રીજીવાર 250થી વધુ રન ફટકાર્યા
સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મેચમાં પહેલા બેટિંગ કરતા 266 રન ફટકાર્યા હતા. આ આઈપીએલના ઈતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો પાંચમો મોટો સ્કોર છે. આ આઈપીએલના ઈતિહાસમાં દિલ્હીના કોઈપણ ગ્રાઉન્ડ પર બનેલો સૌથી મોટો સ્કોર છે. સનરાઇઝર્સની શરૂઆત ધામકેદાર રહી હતી કારણ કે અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે મળીને 5 ઓવરમાં ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડી દીધો હતો. પાવરપ્લે પૂરો થયો ત્યારે હૈદરાબાદનો સ્કોર 125 રન બતો. એક તરફ ટ્રેવિસ હેડે 32 બોલમાં 89 રન ફટકાર્યા, જેમાં 11 ચોગ્ગા અને છ સિક્સ સામેલ છે. બીજીતરફ અભિષેક શર્મા આઈપીએલ ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારતા ચૂકી ગયો હતો. તેણે 2 ચોગ્ગા અને 6 સિક્સ સાથે 12 બોલમાં 46 રન ફટકાર્યા હતા.
સ્કોર પ્રોજેક્શન એક સમયે સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 400 રન દેખાડી રહ્યું હતું. તેવામાં કુલદીપ યાદવે પોતાના સ્પેલમાં અભિષેક શર્મા, એડન માર્કરમ અને ટ્રેવિસ હેડને આઉટ કરી દિલ્હીની વાપસી કરાવી હતી. એક સમયે હૈદરાબાદે 9 ઓવરબાદ 3 વિકેટે 154 રન બનાવી લીધા હતા. પરંતુ આગામી સાત ઓવરમાં ટીમ માત્ર 54 રન બનાવી શકી હતી. કુલદીપ યાદવે દિલ્હીની વાપસી કરાવી હતી. એડન માર્કરમ કમાલ કરી શક્યો નહીં, તો હેનરિક ક્લાસેન 15 રન બનાવી આઉટ થયો હતો. નિતીશ રેડ્ડીએ 27 બોલમાં 37 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરોમાં શાહબાઝ અહમદે 29 બોલમાં પાંચ સિક્સની મદદથી 59 રન ફટકાર્યા હતા.
દિલ્હીના બોલરોની ખરાબ સ્થિતિ
દિલ્હી કેપિટલ્સના બોલરોની આ મેચમાં સ્થિતિ ખરાબ રહી હતી. કુલદીપ યાદવે 4 ઓવરમાં 55 રન આપી ચાર વિકેટ લીધી હતી. અક્ષર પટેલે કમાલની બોલિંગ કરી, તેણે 4 ઓવરમાં 27 રન આપી એક વિકેટ ઝડપી હતી. મુકેશ કુમારની પણ ધોલાઈ થઈ હતીસ પરંતુ અંતિમ ઓવરમાં તેને 1 વિકેટ મળી હતી. ખલીલ અહમદે પણ 3 ઓવરમાં 51 રન આપ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે