ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા મોટો ઝટકો, જસપ્રીત બુમરાહ થયો બહાર, આ ખેલાડીની થઈ એન્ટ્રી
ICC Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ભારતીય ટીમમાંથી બહાર થયો છે. તેમના સ્થાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હર્ષિત રાણાને ટીમમાં સામેલ કર્યો છે.
Trending Photos
ICC Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ભારતીય ટીમમાંથી બહાર થયો છે. તેમના સ્થાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હર્ષિત રાણાને ટીમમાં સામેલ કર્યો છે. બીસીસીઆઈએ જણાવ્યું કે, પીઠના નીચેના ભાગે ઈજાના કારણે બુમરાહ ટૂર્નામેન્ટમાં નહીં રમે શકે.
યશસ્વી જયસ્વાલ પણ આઉટ
ટીમ ઈન્ડિયાએ વરુણ ચક્રવર્તીને પણ ટીમમાં સામેલ કર્યો છે. તેમને યશસ્વી જયસ્વાલના સ્થાને સામેલ કરવામાં આવ્યા છે. યશસ્વીને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં રમવાની તક મળી હતી, પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. આ ડાબોડી બેટ્સમેન માત્ર 15 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી વિરાટ કોહલી પાછો ફર્યો અને તેને બહાર બેસવું પડ્યું.
ઓસ્ટ્રેલિયામાં ઈજાગ્રસ્ત થયો હતો બુમરાહ
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની છેલ્લી ટેસ્ટ મેચ દરમિયાન બુમરાહ ઈજાગ્રસ્ત થયો હતો. ત્યાર પછી જ તે એક્શનમાંથી બહાર છે. બુમરાહને ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી માટે ઈંગ્લેન્ડ સામેની ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સિરીઝની પ્રથમ બે મેચ રમી શક્યો ન હતો. ભારતીય ટીમને ઘણી વખત બુમરાહ વિશે અપડેટ્સ માટે પૂછવામાં આવ્યું, પરંતુ ન તો ખેલાડી કે કોચ કોઈ જવાબ આપી શક્યા. હવે BCCIએ અપડેટ આપીને બધુ સ્પષ્ટ કર્યું છે.
NCAએ પસંદગી સમિતિ પર છોડી દીધો હતો નિર્ણય
અગાઉ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ની સ્પોર્ટ્સ એન્ડ મેડિકલ સાયન્સ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી માટે જસપ્રીત બુમરાહની પસંદગી અંગે નિર્ણય લેવાની જવાબદારી અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ પર છોડી દીધો હતો. ક્રિકેટમાં ખેલાડીની વાપસીને મંજૂરી આપતા પહેલા NCA ફિટનેસના બે પરિમાણોની તપાસ કરે છે. બુમરાહ ફિટ છે, પરંતુ તે હજુ સુધી કોઈ મોટી ટૂર્નામેન્ટ માટે તૈયાર નથી.
અગરકરે કોચ-કેપ્ટન સાથે કરી વાત
એવું માનવામાં આવે છે કે, બુમરાહને સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ કોચ રજનીકાંત અને ફિઝિયો તુલસીના માર્ગદર્શન હેઠળ પીઠના નીચેના ભાગમાં થયેલી ઈજા માટે રિહેબિલિટેશન પૂર્ણ કર્યા બાદ તબીબી રીતે ફિટ જાહેર કરવામાં આવ્યો હતો. બોલ અગરકરના કોર્ટમાં મૂકવામાં આવ્યો હતો અને તેમણે બુમરાહ અંગે નિર્ણય લેવા અમદાવાદમાં કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન રોહિત શર્મા સાથે વાત કરી હતી. જે બાદ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે