7200 રન, 21 સદી અને 39 અર્ધસદી... ભારત માટે ન રમી શક્યો આ કમનસીબ ક્રિકેટર, હવે લીધી નિવૃત્તિ

સૌરાષ્ટ્રના સ્ટાર ક્રિકેટરે સંન્યાસની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા છે. 7 હજારથી વધુ રન બનાવનાર બેટરે ક્રિકેટને અલવિદા કહ્યું છે. 

 7200 રન, 21 સદી અને 39 અર્ધસદી... ભારત માટે ન રમી શક્યો આ કમનસીબ ક્રિકેટર, હવે લીધી નિવૃત્તિ

રાજકોટઃ ક્રિકેટ જગતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના સ્ટાર બેટરે અચાનક નિવૃત્તિ જાહેર કરી છે. આ નિવૃત્તિ ટીમની હાર બાદ લીધી છે. હકીકતમાં આ સમયે રણજી ટ્રોફી 2024-2025 સીઝનના ક્વાર્ટર ફાઈનલ મુકાબલા રમાઈ રહ્યાં છે. રણજી ટ્રોફીનો ચોથો ક્વાર્ટર ફાઈનલ મુકાબલો રાજકોટમાં રમાયો હતો, જેમાં સૌરાષ્ટ્રની ટક્કર ગુજરાત સામે થઈ હતી. આ મેચમાં ગુજરાતે સૌરાષ્ટ્રને હરાવી રણજી ટ્રોફીના સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજીતરફ સૌરાષ્ટ્રની હાર સાથે દિગ્ગજ બેટર શેલ્ડન જેક્સને ક્રિકેટને અલવિદા કહી દીધું છે.

હાર બાદ કરી જાહેરાત
શેલ્ડન જેક્સને 11 ફેબ્રુઆરીએ પોતાની ટીમની રણજી ક્વાર્ટર ફાઈનલમાં હાર બાદ નિવૃત્તિની જાહેરાત કરી છે. શેલ્ડન જેક્સનનું કરિયર 15 વર્ષ જેટલું રહ્યું છે. આ 38 વર્ષીય બેટરે પોતાના કરિયરમાં 105 ફર્સ્ટ ક્લાસ મેચમાં 7200 થી વધુ રન બનાવ્યા છે. તેણે આ દરમિયાન 21 સદી અને 39 અડધી સદી ફટકારી છે. શેલ્ડન જેક્સનનો સર્વોચ્ચ સ્કોર 186 રન રહ્યો છે. જેક્સને પોતાના કરિયરનો અંત 45થી વધુની એવરેજ સાથે કર્યો છે. જેક્સન એક વિશ્વાસપાત્ર બેટરની સાથે શાનદાર ફીલ્ડર પણ હતો. તેણે વિકેટકીપિંગની જવાબદારી પણ સંભાળી હતી. ગુજરાત સામે અંતિમ મેચમાં તેણે 14 અને 27 રન બનાવ્યા હતા. 

ટીમ ઈન્ડિયામાં ક્યારેય ન મળી તક
જેક્સને 2011માં સૌરાષ્ટ્ર તરફથી પોતાના ફર્સ્ટ ક્લાસ કરિયરની શરૂઆત કરી હતી. તેના શાનદાર પ્રદર્શનની મદદથી સૌરાષ્ટ્રે 2012-2013ની રણજી સીઝનમાં પ્રથમવાર ફાઈનલમાં જગ્યા બનાવી હતી. ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શનને કારણે જેક્સનની પસંદગી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ઈન્ડિયા એ ટીમમાં થઈ હતી. તેણે 2015-2016માં સૌરાષ્ટ્રને રણજી ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેક્સને પાછલા મહિને સીમિત ઓવર ક્રિકેટને અલવિદા કહ્યું હતું. તેણે લિસ્ટ એમાં 84 ઈનિંગમાં 2792 રન બનાવ્યા છે. શેલ્ડન જેક્સનનું ફર્સ્ટ ક્લાસ કરિયર ઘણું લાંબુ રહ્યું પરંતુ તેને ક્યારેય ભારતીય ટીમ માટે રમવાની તક મળી નહીં. શેલ્ડન જેક્સનને જરૂર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવાની તક મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news