Year Ender 2023: આ વર્ષે આ સ્ટાર ખેલાડીઓએ ક્રિકેટને કહ્યું અલવિદા, ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર પ્લેયર પણ સામેલ
Quinton de Kock: આ વર્ષે ઘણા સ્ટાર ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે. આ યાદીમાં સાઉથ આફ્રિકાના ઓપનર ક્વિન્ટન ડિકોક સહિત ઘણા મોટા નામ સામેલ છે.
Trending Photos
નવી દિલ્હીઃ Cricketers Who Announced Their Retirement In 2023: ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ભારતની ધરતી પર વનડે વિશ્વકપ રમાયો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ફાઈનલમાં પરાજય આપી છઠ્ઠીવાર ચેમ્પિયન બનવાનું ગૌરવ હાસિલ કર્યું હતું. તો આ વિશ્વકપ બાદ આફ્રિકી ખેલાડી ડિકોક સહિત ઘણા મોટા ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. આજે આપણે તે ક્રિકેટર પર નજર કરીશું જેણે વર્ષ 2023માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે.
ક્વિન્ટન ડિકોક
સાઉથ આફ્રિકી ખેલાડી ક્વિન્ટન ડિકોકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું. પરંતુ ડિકોક આફ્રિકા માટે માત્ર ટી20 ક્રિકેટમાં રમતો જોવા મળશે. વનડે વિશ્વકપ ડિકોક માટે શાનદાર રહ્યો હતો. તેણે આ ટૂર્નામેન્ટમાં 594 રન બનાવ્યા હતા. ડિકોક આ પહેલા ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે.
ડેવિડ વિલી
ઈંગ્લેન્ડના ક્રિકેટર ડેવિડ વિલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને આ વર્ષે અલવિદા કહી દીધું. ડેવિડ વિલીએ ઈંગ્લેન્ડ માટે 72 વનડે સિવાય 43 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. વિશ્વકપ દરમિયાન વિલીએ નિવૃત્તિ જાહેર કરી હતી. તે હવે વિશ્વભરમાં રમાતી લીગમાં જરૂર જોવા મળશે.
ઇમાદ વસીમ
પાકિસ્તાનના ઓલરાઉન્ડર ઇમાદ વસીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું. ઇમાદ વસીમે પાકિસ્તાન માટે 55 વનડે મેચ સિવાય 66 ટી20 મેચ રમી હતી. ઇમાદ વસીમે વનડે ફોર્મેટમાં 42.87ની એવરેજ અને 110ની સ્ટ્રાઇક રેટથી 986 રન બનાવ્યા, આ સિવાય તેણે વનડે મેચમાં 44 વિકેટ ઝડપી હતી.
ડ્વેન પ્રિટોરિયસ
આ વર્ષે સાઉથ આફ્રિકાના ડ્વેન પ્રિટોરિયસે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પ્રિટોરિયસે 3 ટેસ્ટ મેચ સિવાય 27 વનડે અને 30 ટી20 મેચમાં આફ્રિકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ડ્વેન પ્રિટોરિયસે ટેસ્ટ, વનડે અને ટી20 ફોર્મેટમાં ક્રમશઃ 7, 35 અને 35 વિકેટ લીધી હતી.
આરોન ફિન્ચ
ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન આરોન ફિન્ચે ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયા માટે આરોન ફિન્ચે 5 ટેસ્ટ મેચ સિવાય 146 વનડે અને 103 ટી20 મેચ રમી હતી. આ સિવાય ફિન્ચ આઈપીએલમાં 92 મેચ રમી ચૂક્યો છે.
જોગિંદર શર્મા
ભારતીય ટીમે ટી20 વિશ્વકપ 2007માં જીત્યો હતો. આ ટીમમાં જોગિંદર શર્મા પણ હતો. પાકિસ્તાન વિરુદ્ધ ફાઈનલમાં જોગિંદર શર્માએ છેલ્લી ઓવર ફેંકી હતી. ભારતીય ટીમ પાકિસ્તાનને હરાવી ચેમ્પિયન બની હતી. તો આ વર્ષે જોગિંદર શર્માએ ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તે છેલ્લા ઘણા સમયથી ટીમમાંથી બહાર ચાલી રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે