આ તાલુકામાં 50 ટકા ગામોમાં નલ સે જલ યોજના શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે વલખા મારે છે લોકો
જમીન ઉપર મોટા મોટા સંપ, કૂવા, બોર બનાવ્યા, ઘણી જગ્યાએ પાઇપ લાઈન પણ નથી. જેને કારણે લોકોના ઘરે નળ પણ નથી પહોંચ્યા, જેથી નલ સે જલ યોજના નકામી સાબિત થઈ છે.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: ઉનાળો નવસારીના ડુંગરાળ અને પથરાળ વિસ્તારના ગ્રામીણોને તરસ્યા રાખે છે. કારણ ઉનાળો શરૂ થતાં પૂર્વે જ નદી નાળા સુકાઈ જવા સાથે ભૂગર્ભ જલ પણ નીચે ઉતરતા પાણીનો પોકાર શરૂ થાય છે. જેમાં કરોડો રૂપિયા ખર્ચીને નવસારીના આદિવાસી પટ્ટાના ગામડાઓમાં મહત્વાકાંક્ષી નલ સે જલ યોજના સાકાર થઈ શકી નથી. જમીન ઉપર મોટા મોટા સંપ, કૂવા, બોર બનાવ્યા, ઘણી જગ્યાએ પાઇપ લાઈન પણ નથી. જેને કારણે લોકોના ઘરે નળ પણ નથી પહોંચ્યા, જેથી નલ સે જલ યોજના નકામી સાબિત થઈ છે.
નવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાના ખેરગામ, ચીખલી અને વાંસદા તાલુકાના ઘણા ગામડાઓમાં ઉનાળો પાણી સમસ્યા સર્જે છે. લોકોને પીવાનું પાણી જેમ તેમ મળી રહે છે. ત્યારે ઢોર અને રોજીંદા ઉપયોગ માટે પાણી કેવી રીતે મેળવવું એ સૌથી મોટો પ્રાણ પ્રશ્ન બને છે. નવસારીના ખેરગામ તાલુકાના ડુંગરાળ અને પથરાળ પ્રદેશના જામનપાડા કાકડવેરી તોરણવેરા પાણી ખડક ગૌરી પાટી જેવા 10 થી 12 ગામોમાં 500 ફૂટે પણ પાણી નથી મળતું જ્યારે આ ગામડાઓની જીવા દોરી સમાન તાન નદી પણ સુકાઈ ગઈ છે. જેથી ભૂગર્ભજળ પણ નીચા ઉતર્યા છે. નલ સે જલ યોજના આ વિસ્તારના લોકો માટે આશા સમાન હતી.
બે વર્ષ અગાઉ જામનપાડા, કાકડવેરી, સહિતના ગામડાઓમાં એક લાખ લીટરની ક્ષમતાવાળા મોટા સંપ બનાવવામાં આવ્યા, જેમાં બોર થકી પાણી ભરવાનું તેમજ ત્યાંથી લોકોના ઘર સુધી પાઇપલાઇન નાખી સીધું ઘરમાં પાણી મળે એવી વ્યવસ્થા કરવાની હતી. પરંતુ પાણી પુરવઠાના વાસ્મો વિભાગ દ્વારા આ ગામડાઓમાં મોટા મોટા સંપ બનાવી દીધા, ક્યાંક મોટા કુવા ખોદી દીધા અને અહીંથી ફોર્સ સાથે પાણી મેળવવા મોટર મુકવાની વ્યવસ્થા માટે જીઇબીના મીટર લગાવવાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી, પરંતુ ઘણા સંપની બાજુમાં આજ સુધી GEB ના કનેક્શન લાગ્યા નથી. સંપ બનાવીને ટેસ્ટિંગ કર્યુ પણ ત્યારબાદ આ સંપમાં પાણી પણ પડ્યું નથી. બે વર્ષથી બનેલા આ સંપ ફક્ત શોભાના ગાઠીયા બની રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા નલ સે જલ યોજના હેઠળ ખર્ચવામાં આવેલા કરોડો રૂપિયા અને નિર્માણ પામેલા આ સંપમાં પાણી પડે અને લોકોના ઘર સુધી પાઇપલાઇનથી નળ પહોંચે અને તેમાંથી પાણી મળે એવી આશા આ વિસ્તારના લોકો સેવી રહ્યા છે.
ખેરગામ તાલુકાના 22 ગામોમાંથી 50% થી ગામોમાં પાણીની સમસ્યા છે. આ સમસ્યાના નિરાકરણ માટે ભાજપના આગેવાનો પણ સરકારમાં રજૂઆતો કરી રહ્યા છે. પરંતુ તંત્ર છે કે તેના પેટનું પાણી હલતું નથી. નવસારી જિલ્લા પંચાયતના આછવણી બેઠકના સભ્ય સુમિત્રાબેન ગરાસીયા તેમજ સંગઠન આગેવાન અરવિંદ ગરાસિયા વર્ષોથી તેમના વિસ્તારની સમસ્યા સરકારમાં મૂકી રહ્યા છે.
સરકારી યોજના ગામમાં પહોંચી તો ખરી પરંતુ બોર 300 ફૂટ સુધી જ મંજુર થાય છે. જ્યારે ગામમાં 500 ફૂટે પાણી મળે છે. જેથી ગામડાઓની મહિલાઓએ પારી બાંધી પાણી મેળવવા પડે છે. બીજી તરફ નલ સે જલ યોજના ના 1,00,000 લિટરની ક્ષમતા વાળા સંપ શોભાના ગાંઠીયા બન્યા છે. સંપમાં પાણી નથી જેથી ઘરો સુધી પાણી પહોંચી શકતું નથી અને ઉનાળાના ત્રણ મહિના આ વિસ્તારના આદિવાસી લોકો પાણી માટે વલખા મારી રહે છે.
સરકારની મહત્વાકાંક્ષી નલ સે જલ યોજના લોકોને તેમના ઘર આંગણે પાણી પહોંચાડવા માટેની આશા સાથે જીવંત કરવામાં આવી હતી. પરંતુ પાણી પુરવઠાના અધિકારીઓની અણઆવડત કે કામ ન કરવાની વૃત્તિને કારણે યોજના ફળીભૂત થઈ શકી નથી. ત્યારે પાણી માટે ખર્ચેલા કરોડો રૂપિયા બાષ્પીભવન થયા હોય તેવી સ્થિતિ જોવા મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે