ચોરવાડ નપાની ચૂંટણી જીતવા બે દિગ્ગજો વચ્ચે જોરદાર જંગ, સાંસદ અને ધારાસભ્ય આમને-સામને
ચોરવાડ નગરપાલિકામાં બે બાહુબલી નેતાઓ વચ્ચે ખરા-ખરીનો જંગ ખેલાઈ રહ્યો છે અને આ બંને નેતાઓમાંથી કોણ બાજી મારશે તે તો આવનાર સમય જ બતાવશે.
Trending Photos
અશોક બારોટ, જૂનાગઢઃ ગુજરાતમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે. નગર પાલિકા, જૂનાગઢ મહાનગર પાલિકા સિવાય કેટલીક તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જૂનાગઢ જિલ્લામાં પણ ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. જૂનાગઢની ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી માટે જૂનાગઢના સાંસદ અને ગીર સોમનાથના ધારાસભ્ય વચ્ચે ખરા-ખરીનો જંગ જામ્યો છે...કેમ કે જૂનાગઢ એ ભાજપ અને કોંગ્રેસના નેતાઓનું હોમ ટાઉન છે જેથી આ ચૂંટણી બંને નેતાઓ માટે પ્રતિષ્ઠાનો સવાલ બની છે.
બે નેતાઓ આમને-સામને
છેલ્લા પાંચ વર્ષથી ચોરવાડ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે. ત્યારે ચોરવાડ નગરપાલિકામાં ભાજપનું શાસન આવે તે માટે ખુદ સાંસદ મેદાને આવ્યા છે. તો કોંગ્રેસ શાસન ટકાવી રાખવા માટે અથાગ પ્રયત્નો કરી રહી છે. ત્યારે આ બંને નેતામાંથી કોણ બાજી મારશે તે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે?
નપાનો જંગ બન્યો રસપ્રદ
દેશના ઉદ્યોગપતિ સ્વ. ધીરુભાઈ અંબાણીની જન્મભૂમિ એટલે કે ચોરવાડ.... જૂનાગઢ જિલ્લામાં છ નગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ રહી છે. પરંતુ સૌથી સંવેદનશીલ ગણાતી ચોરવાડ નગરપાલિકા ઉપર સમગ્ર લોકોનું ધ્યાન કેન્દ્રિત થયું છે કારણ કે અહીં બે બાહુબલી નેતાઓ આમને સામને છે. જુનાગઢ જિલ્લાના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાનું હોમટાઉન છે. ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું પણ હોમ ટાઉન છે.
છેલ્લા પાંચ વર્ષથી કોંગ્રેસનું શાસન
છેલ્લા પાંચ વર્ષથી આ નગરપાલિકામાં વિમલ ચુડાસમાના પત્ની જલ્પાબેન ચુડાસમા પ્રમુખ છે. ત્યારે કોંગ્રેસ પાસેથી આ નગરપાલિકાને આંચકી લેવા ખુદ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા મેદાને પડ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પોતાના વિકાસ કામોને લઈને લોકો ફરીથી તેમના ઉપર વિશ્વાસ મૂકશે અને બહુમતીથી તેઓ વિજેતા થશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે... ચોરવાડ નગરપાલિકા માટે તેમણે પણ ઉમેદવારી પત્ર ભર્યું છે.
બીજી તરફ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા ચોરવાડ નગરપાલિકા ઉપર ભાજપનો ઝંડો લગાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યાં છે. તેમજ છેલ્લા પાંચ કોંગ્રેસના શાસનમાં ચોરવાડ નગરપાલિકાનો વિકાસ રૂંધાયો છે અને જે દાવાઓ વિકાસના કરવામાં આવી રહ્યા છે તે પણ માત્ર કાગળ ઉપર જ છે... ચોરવાડ નજીક આવેલું હોલીડે કેમ્પ વિશ્વવિખ્યાત છે ત્યારે હાલ તે ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે અહીં પ્રવાસીઓ આવે તે માટે સાંસદ રાજેશ ચુડાસમાએ વચન આપ્યા છે અને ચોરવાડ નગરપાલિકા નો વિકાસ કરવા માટે ગમે તે ભોગે તેઓ મહેનત કરશે તેવું પણ લોકોને આશ્વાસન આપી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે