અમિત શાહના વતન માણસામાં ભાજપનો દબદબો, નપાની ચૂંટણીમાં કબજે કરી 27 બેઠક, કોંગ્રેસના ખાતામાં માત્ર 1 સીટ
Mansa Election Results: ગાંધીનગર જિલ્લાની માણસા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર જીત મેળવી છે. ભાજપે સાત વોર્ડની 28 બેઠકોમાંથી 27 બેઠકો કબજે કરી છે.
Trending Photos
Election Result 2025: ગુજરાતમાં યોજાયેલી 68 નગરપાલિકા, જૂનાગઢ મહાનગર પાલિકા અને ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢ મનપા સાથે 62 નગરપાલિકા કબજે કરી છે. જેમાં માણસા નગરપાલિકા પણ સામેલ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મતવિસ્તાર અને વતન માણસામાં ભાજપે કોંગ્રેસનો સફાયો કર્યો છે.
માણસામાં ભાજપની ભવ્ય જીત
અમિત શાહનું વતન માણસા છે, જ્યાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. માણસા નગરપાલિકાના 7 વોર્ડની કુલ 28 બેઠકોમાંથી ભાજપે 27 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે માત્ર એક બેઠક કોંગ્રેસને મળી છે. માણસામાં વોર્ડ નંબર 1,2,3,4,5,6 અને સાતમાં ભાજપના તમામ સભ્યો જીત્યા છે. જ્યારે વોર્ડ નંબર 3માં કોંગ્રેસના એક સભ્યની જીત થઈ છે. નોંધનીય છે કે 1995થી માણસા નગરપાલિકા પર ભાજપનું શાસન છે.
ભાજપે કરી જીતની ઉજવણી
માણસામાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત બાદ પાર્ટીના કાર્યકરોએ ઉજવણી કરી હતી. અમિત શાહના વતનમાં શાનદાર જીત બાદ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. માણસા નગરપાલિકાની ચૂંટણીમાં 16 ફેબ્રુઆરીએ 64 ટકા જેટલું મતદાન થયું હતું.
ભાજપનો જોવા મળ્યો દબદબો
ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢ મહાનગર પાલિકા સાથે કુલ 62 નગરપાલિકા પર જીત મેળવી છે. ત્રણેય તાલુકા પંચાયતમાં પણ ભાજપની જીત થઈ છે. ભાજપ માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો ઉત્સાહજનક છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર એક નગરપાલિકા આવી છે. જ્યારે પાંચ નગરપાલિકામાં અન્યની જીત થઈ છે. તમે પણ જાણો કઈ પાલિકામાં કઈ પાર્ટીને જીત મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે