ખેડૂતોને ભાગ્યમાં પણ પથરા અને ખાતરમાં પણ! યુરિયા ખાતરની થેલીમાં પણ મસમોટુ કૌભાંડ
Trending Photos
નરેશ ભાલિયા/જેતપુર : મેવાસા ગામે યુરિયા ખાતરની થેલીમાંથી ધૂળ અને પથ્થર નીકળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, શિયાળુ રવી પાક સમયે યુરિયા ખાતર મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા સહકારી મંડળીમાંથી ખરીદી થતી હોય છે. ત્યારે કૃભકો કંપનીના યુરિયા ખાતરમાં કૌભાંડની ગંધ આવી રહી છે. મેવાસા સહકારી મંડળીમાંથી ખેડૂતો દ્વારા કૃભકો કંપનીનું 16 નંબરની થેલીનું ખાતર ખરીદ્યું હતું. ખરીદી કરવામાં આવી ત્યારબાદ રવી પાકમાં આ ખાતર નાખવામાં આવ્યું તે સમયે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, યુરિયા ખાતર શુદ્ધ નાઇટ્રોજનમાંથી બનતું હોય છે. ખેડૂતોએ જણાવ્યું કે, આ ખાતર એટલું શુદ્ધ હોય છે કે 24 કલાક ખુલ્લી જગ્યામાં રાખવામાં આવે તો પણ બાષ્પીભવન થઈ જાય. જો કે કૃભકો કંપનીના યુરિયા ખાતરની થેલીઓ જ્યારે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવામાં આવી ત્યારે ખાતરની સાથે સાથે થેલીમાંથી પથ્થર અને ધૂળ નીકળતા આશ્ચર્યચકિત થયા હતા. કમોસમી વરસાદ બાદ ખેડૂતોની શિયાળુ પ્રથમ સિઝન સમયે જ આ પ્રકારની છેતરપીંડી કંપનીઓ દ્વારા કરવામાં આવતા મેવાસા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.
યુરિયા ખાતર બનાવતી આવી કંપનીઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ પણ કરી છે. કૃભકો કંપનીના યુરિયા ખાતરમાંથી ધૂળ અને પથ્થર નીકળતા મેવાસા ગામના ખેડૂતો દ્વારા ખેતીવાડી અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી. જેમના પગલે ખેતીવાડી અધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ભેળસેળ કંપનીમાંથી જ થઇને આવી છે કે અન્ય કોઇ સ્તરે ભેળસેળ કરવામાં આવી છે તે અંગે ખેતીવાડી અધિકારી દ્વારા તપાસ આદરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે