ના દીવ-દમણ, ના આબુ, જાનુ ચલ તને ગુજરાતનું કૂલુ-મનાલી બતાવું! મોજિલાઓને પડી જાય છે મોજ
અહીં પહાડો છે, ગાઢ જંગલ છે, ઝરણાં છે, નદી છે અને સમગ્ર વિસ્તાર અસીમ કુદરતી સૌદર્યથી ભરપુર છે. અહીં શૂટિંગ, ફોટોગ્રાફી કરવાની મજા પડી જાય છે. એવું સ્થળ છે જ્યાં જતાં જ નાના-મોટા સૌ કોઈને પડી જાય છે મોજ....
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતીઓ હરવા ફરવાના શોખીન હોય છે તે સૌ કોઈ જાણે છે. એમાંય નજીકમાં હરવા ફરવાની વાત આવે ત્યારે ગુજરાતીઓ મોટેભાગે માઉન્ટ આબુ અને દિવ-દમણ જવાની જ વાત કરવા હોય છે. એનું સૌથી મોટું કારણ છે છેલ્લાં કેટલાંક વર્ષોમાં વધારો સોમરસનો ક્રેઝ. કેટલાંક ગુજરાતીઓમાં છાટાંપાણીનો ટ્રેન્ડ વધી ગયો છે. ત્યારે સોમરસના શોખીનો કોઈકને કોઈક બહાનું કરીને એવી જગ્યાએ જ ફરવા જવાનું નક્કી કરે છે જ્યાં તેમનું પણ કામ થઈ જાય. આબુ અને દિવ-દમણ તો હવે મધિરા રસિકોના લીધે બહુ ચર્ચિત થઈ ગયા છે. ત્યાંનું નામ પડતા જ પરિવાર એમાંય ઘરના હોમ મિનિસ્ટર ચિડાય છે. ત્યારે હવે પત્નિને પટાવીને પતિદેવો હવે પોલો ફોરેસ્ટ લઈ જતા થયાં છે. ત્યાં લઈ જવા માટે એવું પણ કહેતા થયા છેકે, ચાલ જાનુડી તને ગુજરાતના કૂલુ-મનાલીમાં લઈ જાઉં.
સાબરકાંઠા જિલ્લામાં આવેલાં વિજયનગરના પોળોના જંગલો વીક એન્ડ પિકનિક માટે સૌથી હોટ ફેવરીટ ડેસ્ટીનેશન ગણાય છે. આ સ્થળ અમદાવાદથી માત્ર 140 કિલો મીટરના અંતરે આવેલું છે. વિજયનગરનું પોળોનું સુંદર જંગલ અંદજે 5 કિલો મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. ખાસ કરીને ચોમાસામાં પ્રકૃતિ અહીં સોળે કળાએ ખીલેલી જોઈ શકાય છે. અમદાવાદથી હિંમતનગર પ્રાંતીજ થઇને ઇડરથી વિજયનગર પોળો કેમ્પસાઇટ સુધી પહોંચી શકાય છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કેમ્પસાઇટમાં તમે રોકાણ પણ કરી શકો છો. જેના માટે તમારે એડવાન્સમાં વનવિભાગની મંજૂરી લેવી પડે છે.
આ વિસ્તારમાં શું-શું છે ખાસ?
અહીં પહાડો છે, ગાઢ જંગલ છે, ઝરણાં છે, નદી છે અને સમગ્ર વિસ્તાર અસીમ કુદરતી સૌદર્યથી ભરપુર છે. અહીં શૂટિંગ, ફોટોગ્રાફી કરવાની મજા પડી જાય છે. હરણાવ નદીના કાંઠે આવેલા અડાબીડ જંગલની વચ્ચે ખુબ જ પ્રાચીન પોળોના મંદિરો આવેલા છે. અહીં વણજ ડેમ તથા ટ્રેકિંગ માટેની સુંદર કેમ્પસાઇટ પણ આવેલી છે. ચોમાસા સિવાય પણ તમે આ સ્થળની મુલાકાત લઈ શકો છો. પોળોએ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારે આવેલુ સ્થળ છે. આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન જૈન અને શિવ મંદીરો મળી આવેલા છે. આ મંદીરોની બાંધણીમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળે છે.
પોળોનો અર્થ શું થાય છે?
પોળોએ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલો મારવાડી ભાષાનો શબ્દ છે. જેનો અર્થ 'પ્રવેશદ્વાર' થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ પોળો એ મારવાડ (રાજસ્થાન) અને ઉત્તર ગુજરાતની વચ્ચેનું પ્રવેશદ્વાર છે. પોળોની આસપાસ અન્ય જોવાલાયક સ્થળોની વાત કરીએતો, અભાપુરનું શક્તિમંદીર તેની પ્રતિમાઓ અને સુંદર કોતરણી ધરાવતું અવશેષરૂપ મંદિર છે. પોળોના પરીસરમાં આવેલી કલાત્મક છત્રીઓ પથ્થરમાંથી કંડારાયેલી છે. તેનો ગુંબજ ગોળાકાર ઘુમ્મટ ધરાવે છે. આ છત્રીઓનું બાંધકામ પંદરમી સદીના સમયનું હોવાનુ મનાય છે.
અહીં શરણેશ્વર મહાદેવનું મંદિર અભાપુરનાં જંગલોમાં છ વીઘા જેટલી જમીનમાં પથરાયેલું છે. શરણેશ્વર મંદિરના ચોક્માં ડાબી બાજુએ રક્ત ચામુંડાની ચાર હાથવાળી મૂર્તિ છે. મૂર્તિના ઉપરના હાથમાં વજ્ર અને નીચલા ડાબા હાથમાં ખટવાંગ ધારણ કરેલ છે. ઉપરના ડાબા હાથમાં રક્તપાત્ર પકડેલું છે. જેથી આ મૂર્તિ રક્ત ચામુંડા તરીકે ઓળખાય છે. આ ઉપરાંત લાખેણાનાં દેરાં આવેલાં છે.
લાખા વણઝારાની દંતકથાઃ
દંતકથા પ્રમાણે લાખા વણજારાની પુત્રીએ આ જૈન દેરાસર બંધાવ્યું છે. મંદિરમાં અસંખ્ય થાંભલા છે, જેનું શિલ્પ સોલંકી કાળનું છે. મંદિર પરિસરમાં એક વિશાળ નૃત્યમંડપ પણ જોવા મળે છે. જેના પર પાંદડી, વેલ અને હાથીઓની પટ્ટી કોતરાયેલી જોવા મળે છે. અહીં સદેવંત સાવળિંગાના દેરાં પણ જોવાલાયક છે. આ મંદિરની સાથે સાથે સદેવંત અને નગરશેઠની પુત્રી સાવળિંગાની પ્રેમકહાણી જોડાયેલી છે. આ દેરાંનાં સ્તંભોની કુંભિઓ તથા શિરાવટીઓ શિલ્પ સમૃદ્ધ છે. નવ દેરાંના આ મંદિરોના કેટલાક ભાગોને ઊગી નીકળેલાં વૃક્ષોએ ઘણું નુકસાન પહોચાડ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે