પથ્થરના ઘા ઝીંકીને છૂંદી નાંખ્યો! ઉછીના રૂપિયા માટે મિત્ર જ મિત્રનો વેરી બન્યો, કંપાવી દેતો કિસ્સો
અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાની ઘટના બની છે, જેમાં ઉછીના રૂપિયા માટે મિત્ર જ મિત્રનો વેરી બની ગયો છે. આ ઘટના બાદ કાલુપુર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. કાલુપુર વિસ્તારમાં ઉછીના રૂપિયા ના આપતા મિત્રએ જ મિત્રને પથ્થરના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે. હત્યા કરનાર આરોપીની કાલુપુર પોલીસે ઝડપી પાડ્યો છે.
અમદાવાદ શહેરમાં બે દિવસમાં હત્યાના બે બનાવો સામે આવ્યા છે. કાલુપુર અને કાગડાપીઠ વિસ્તારમાં નજીવી બાબતમાં હત્યાના બે બનાવો બનવા પામ્યા છે. શહેરના સરસપુર વિસ્તાર માં રહેતા અને છૂટક મજૂરી કામ કરતો મહમ્મદ હુસૈન નામનો યુવક 10મી ફેબ્રુઆરીએ કાલુપુર ઘી બજારમાં આવેલ એક દુકાનના ઓટલા પર સૂતો હતો, ત્યારે ભૂષણ ઉર્ફે શિવ નામના યુવક તેની પાસે આવ્યો હતો અને મહમ્મદ હુસૈન પાસે ઉછીના રૂપિયા હતા.
જો કે તેણે રૂપિયા આપવાની ના પાડતા ભૂષણ ઉશ્કેરાઈ ગયો હતો અને બીભત્સ ગાળો બોલીને મહમ્મદ હુસૈનને માથા માં પથ્થરના ત્રણથી ચાર ઘા મારી દીધા હતા. બનાવને લઈને બૂમાબૂમ થતા લોકો એકઠા થઈ જતા ભૂષણ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે મહમ્મદ હુસૈન ને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા કાલુપુર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને બનાવની જાણ મૃતકના પરિવારજનોને કરી હતી. જેઓ પણ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોચ્યા હતાં. જો કે સારવાર દરમિયાન મહમ્મદ હુસૈનનું મૃત્યુ થતા પોલીસ એ હત્યા નો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ભૂષણ પણ છૂટક મજૂરી કામ કરે છે. જેથી બંને વચ્ચે મિત્રતા હતી. મૃતક મહમ્મદ હુસૈન દારૂ પીવાની ટેવ વાળો હતો. જેથી તે ક્યારેક દારૂ પી જાય તો ઘરે જતો ન હતો. અને ગમે ત્યાં સૂઈ જતો હતો. હાલમાં પોલીસ એ આરોપીની ધરપકડ કરીને તેણે કેટલા રૂપિયાની માંગણી કરી હતી અને અગાઉ કોઈ રૂપિયાની લેતી દેતી હતી કે કેમ તે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે