લોકસભા ચૂંટણી 2019: રાજ્યમાં 26 બેઠક પર કુલ 452 ઉમેદવાર મેદાનમાં
રાજ્ય વિધાનસભાની ચાર બેઠકની પેટા ચૂંટણી માટે 60 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે, રાજ્યમાં 23 એપ્રિલ, 2019ના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે
Trending Photos
હીતલ પારેખ/ ગાંધીનગરઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો રંગ ધીમે ધીમે પકડી રહ્યો છે. 4 એપ્રિલના રોજ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો. 6 એપ્રિલ રોજ ઉમેદવારી ફોર્મ ચકાસણી થઈ ગયા બાદ ચૂંટણી પંચ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ હવે રાજ્યમાં 26 બેઠકો માટે કુલ 452 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. રાજ્ય વિધાનસભાની ચાર બેઠકોની પેટા ચૂંટણી માટે 60 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
ગુજરાત રાજ્યની 26 લોકસભા બેઠક પર કુલ 572 ઉમેદવારી પત્ર ભરાયા હતા. તેમાંથી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી વિવિધ નિયમાનુસારની ચકાસણી બાદ 120 ઉમેદવારી પત્રક ખામીયુક્ત હોવાને કારણે ચૂંટણી પંચ દ્વારા તેમને રદ્દ કરી દેવાયા છે. આમ, 6 એપ્રિલ, 2019ના રોજ ગુજરાતમાં 26 લોકસભા બેઠક માટે હવે 452 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે.
રાજ્યમાં સૌથી વધુ 48 ઉમેદવારી પત્ર સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભરવામાં આવ્યા હતા. જેમાંથી 5 ફોર્મ રિજેક્ટ થઈ જતાં હવે આ બેઠક પર 43 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. રાજ્યમાં સૌથી ઓછા 11 ઉમેદવારી પત્ર દાહોદ અને વલસાડની બેઠક પર ભરવામાં આવ્યા હતા. જેમાં અનુક્રમે 3 અને 2 ફોર્મ રિજેક્ટ થયા છે. આથી દાહોદની બેઠક પર હવે 8 અને વલસાડની બેઠક પર 9 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહ્યા છે. દાહોદ ઉપરાંત છોટા ઉદેપુરની બેઠક પર પણ માત્ર 8 ઉમેદવાર જ ચૂંટણી મેદાનમાં રહ્યા છે.
સુરેન્દ્રનગર પછી જામનગરમાં સૌથી વધુ 46 ઉમેદવારી પત્ર ભરાયા હતા. જેમાંથી 12 ફોર્મ રિજેક્ટ કરવામાં આવતા હવે અહીં 34 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં રહ્યા છે.
રાજ્યમાં જામનગર પછી સૌથી વધુ 45 ઉમેદવારી પત્ર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ જ્યાંથી ચૂંટણી લડવાના છે ત્યાં ગાંધીનગરની બેઠક પર ભરાયા છે. ગાંધીનગરમાં 11 ઉમેદવારી પત્ર રદ્દ થયા છે અને હવે કુલ 34 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. અમીત શાહની સામે કોંગ્રેસ તરફથી ગાંધીનગર ઉત્તરના વર્તમાન ધારાસભ્ય સી.જે. ચાવડાએ ઉમેદવારી નોંધાવી છે.
રાજ્યમાં લોકસભા ચૂંટણીની સાથે-સાથે રાજ્ય વિધાનસભાની ખાલી પટેલી ચાર બેઠકો માટેની પેટા ચૂંટણી પણ યોજાવાની છે. રાજ્યમાં ઊંઝા, ધ્રાંગધ્રા, જામનગર(ગ્રામ્ય) અને માણાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. આ ચાર બેઠકો પર કુલ 83 ઉમેદવારી પત્ર ભરાયા હતા, જેમાંથી ચૂંટણી પંચની ચકાસણીમાં 15 ફોર્મ રિજેક્ટ થયા છે અને હવે કુલ 68 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે