ગુજરાતમાં AIF યોજના હેઠળ અત્યાર સુધી 3500 કૃષિલક્ષી પ્રોજેક્ટ માટે 3900 કરોડની સહાય થઈ મંજૂર

AIFના સફળ અમલીકરણમાં ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે; તાજેતરમાં જ કેન્દ્રીય કૃષિ મંત્રી  શિવરાજસિંહ ચૌહાણના હસ્તે ગુજરાતને પુરસ્કાર એનાયત કરાયો હતો.
 

 ગુજરાતમાં AIF યોજના હેઠળ અત્યાર સુધી 3500 કૃષિલક્ષી પ્રોજેક્ટ માટે 3900 કરોડની સહાય થઈ મંજૂર

અમદાવાદઃ કૃષિ ક્ષેત્ર એ ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. દેશના ખેડૂતો લઘુત્તમ નુકશાન સાથે મહત્તમ આવક મેળવી શકે તે માટે અનેકવિધ નવતર પહેલો કરવામાં આવી છે. કૃષિ ક્ષેત્રની સમૃદ્ધિ એ હરહંમેશથી ભારત અને ગુજરાત સરકારની પ્રાથમિકતા રહી છે. દેશના ખેડૂતોને સ્વનિર્ભર બનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૦માં ફાર્મ-ગેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. ૧ લાખ કરોડ સાથે “એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ (AIF)” યોજનાની જાહેરાત કરી હતી, જે વર્ષ ૨૦૩૩ સુધી અમલમાં રહેશે. આ યોજના હેઠળ કૃષિ આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવામાં આવે છે.

ભારત સરકારની આ મહત્વકાંક્ષી યોજનાનું મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સફળ અમલીકરણ થઇ રહ્યું છે. એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ યોજના હેઠળ પ્રાઈમરી પ્રોસેસિંગ યુનિટ, વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ તથા એગ્રો પ્રોસેસિંગ જેવા વિવિધ એગ્રી ઈ‌ન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસને રૂ. ૨ કરોડ સુધીની તમામ લોન ઉપર વાર્ષિક ૩ ટકાની વ્યાજ સહાય, મહતમ ૭ વર્ષ સુધીની મર્યાદામાં આપવામાં આવે છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે AIF અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાતના ૩,૫૦૦ પ્રોજેક્ટ્સ માટે રૂ. ૩,૯૦૦ કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સમાં ૬૪૩ સોર્ટીંગ અને ગ્રેડિંગ યુનિટ, ૫૮૫ વેરહાઉસ, ૫૫૫ કસ્ટમ હાયરીંગ સેન્ટર, ૫૪૦ પ્રાયમરી પ્રોસેસિંગ યુનિટ તેમજ ૨૩૬ જેટલા કોલ્ડ સ્ટોરેજ અને કોલ્ડ ચેઈનના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. એટલું જ નહિ, AIF યોજના હેઠળ મંજૂર કરાયેલા આ પ્રોજેક્ટ્સ થકી કૃષિ ક્ષેત્રે ગ્રામીણ રોજગારીની તકોમાં અનેકગણો વધારો થયો છે.

કૃષિ મંત્રીએ ઉમેર્યું કે, તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા નવી દિલ્હી ખાતે “AIF એક્સેલન્સ એવોર્ડ સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ યોજનાના સફળ અમલીકરણ અને ઉત્કૃષ્ટ કામગીરીમાં ગુજરાત રાજ્ય પાંચમા ક્રમે આવતા કેન્દ્રીય કૃષિ મંત્રી  શિવરાજસિંહ ચૌહાણ હસ્તે ગુજરાતને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. કૃષિ મંત્રીશ્રીએ મહત્તમ ખેડૂતો અને કૃષિ સાહસિકો સુધી આ યોજનાનો લાભ પહોંચાડવા બદલ કૃષિ વિભાગની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આ ફંડ દ્વારા ખેડૂતોને તેમની ઉપજના સંગ્રહ અને પ્રોસેસિંગ માટે વધુ સારી સુવિધાઓ મળશે, કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી અને નવીનતાને પ્રોત્સાહન મળશે તેમજ ખાદ્ય ઉત્પાદન અને વિતરણમાં સુધારો થશે. જેના પરિણામે ખેડૂતોની ઉત્પાદકતા અને આવકમાં વધારા સાથે દેશની ખાદ્ય સુરક્ષામાં પણ વધારો થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોલ્ડ સ્ટોરેજ, વેરહાઉસ, પ્રોસેસિંગ યુનિટ્સ અને અન્ય કૃષિ સંબંધિત માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે આ યોજનાનો લાભ - ખેડૂતો, કૃષિ ઉધોગ સાહસિકો, સ્વસહાય જુથો, ખેડૂત ઉત્પાદક સંગઠનો, પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS), માર્કેટિંગ સહકારી મંડળીઓ (APMC) તેમજ અન્ય સંબંધિત સંસ્થાઓ લઇ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news