વડોદરામાં વધુ એક વિધાર્થી કોરોના પોઝિટિવ, શું ફરી લોકડાઉન લાગશે? પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
કોરોના મહામારી અને આગામી દિવસોમાં આવનાર તહેવારોના પગલે વડોદરામાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરમાં 4 કે તેથી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 21 ડિસેમ્બર થી 4 જાન્યુઆરી સુધી જાહેરનામું લાગુ રહેશે.
Trending Photos
રવિ પટેલ/ વડોદરા: કોરોના વાયરસના ઝડપી ફેલાતા ઓમિક્રોન વેરિયન્ટના કેસની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, રાજ્યમાં ઓમિક્રોન કેસની સંખ્યા વધીને કુલ 13 થઈ ગઈ છે. રવિવારે 6 નવા કેસ નોંધાયા, જેમાં ગાંધીનગરમાં 1, સુરત-રાજકોટમાં 1-1, અમદાવાદમાં ટાન્ઝાનિયાથી આવેલું 1 કપલ સહિત આણંદનો 1 યુવક સામેલ છે. ગાંધીનગરમાં વાઈબ્રન્ટ પહેલા ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ થઈ ગઈ છે.
વડોદરામાં વધુ એક વિધાર્થીને કોરોના થયો હોવાની માહિતી મળતી છે. વડોદરાની સિગ્નસ સ્કૂલના ધોરણ. 6નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વિદ્યાર્થી વિશે જાણવા મળી રહ્યું છે કે તે ઓમીક્રોનગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવ્યો હતો. વિધાર્થીને 16 ડિસેમ્બરે કોરોના થયો હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે હવે 24 ડિસેમ્બર સુધી ધો.6ના વર્ગના ઓફલાઈન ક્લાસ બંધ કરાયા છે. શહેરમાં 5 દિવસમાં 3 વિદ્યાર્થી અને 1 શિક્ષિકા કોરોનાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે.
વડોદરામાં વધુ એક વિદ્યાર્થીને કોરોના થવાના કેસમાં મળતી માહિતી પ્રમાણે શહેરના હરણી વિસ્તારમાં રહેતો 13 વર્ષીય વિધાર્થી આ વિસ્તારમાં જ આવેલી સિગ્નસ સ્કૂલમાં ધોરણ –6માં અભ્યાસ કરે છે. વિધાર્થીને 16 ડિસેમ્બરે કોરોના થયો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે તેની તબિયત વધુ લથડતા તેના સેમ્પલ લઇને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. તેની હિસ્ટ્રી ચેક કરતા આ વિસ્તારમાં જ વિદેશથી આવેલા અને ઓમિક્રોનગ્રસ્ત થયેલા દર્દીના સંપર્કમાં આવ્યા હોવાની વિગતો સપાટી ઉપર આવી છે. આ અંગેની જાણ શાળાને કરાઇ હતી. જેના કારણે આ વિદ્યાર્થીના કલાસનું ઓફલાઇન શિક્ષણ તા.20થી 24 ડિસેમ્બર સુધી બંધ કરાયું છે. જોકે આ દરમિયાન ઓનલાઇન શિક્ષણ ચાલુ રખાશે. આ અંગેની જાણ જિલ્લા શિક્ષણાધિકારીને પણ કરાઇ છે.
પાંચ દિવસમાં ત્રણ વિદ્યાર્થી, એક શિક્ષિકા કોરોનાગ્રસ્ત
શહેરમાં છેલ્લાં પાંચ દિવસમાં ત્રણ સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ અને એક શિક્ષીકા કોરોનાગ્રસ્ત થયાં છે. સ્કૂલો વાલીઓને જાણ કરે છે ત્યારે વિદ્યાર્થીઓને કોરોના થયો હોવાનું સપાટી પર આવે છે. આ પરિસ્થિતિને પગલે સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવાની તાતી જરૂર હોવાનું વાલીઓની માંગણી છે.
વડોદરામાં પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
કોરોના મહામારી અને આગામી દિવસોમાં આવનાર તહેવારોના પગલે વડોદરામાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરમાં 4 કે તેથી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 21 ડિસેમ્બર થી 4 જાન્યુઆરી સુધી જાહેરનામું લાગુ રહેશે. કોરોના મહામારી અને આગામી દિવસોમાં આવનાર તહેવારોમાં જાહેરનામનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. શહેરમાં હવે જાહેર સ્થળો પર સભા કરવી, સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.
ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટના નવા 6 સાથે કુલ 13 કેસ.
અત્રે નોંધનીય છે કે, ગાંધીનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા દોડધામ થઈ ગઈ છે. લંડનથી 14 ડિસેમ્બરે સેક્ટર-1માં આવેલા પરિવારના 15 વર્ષીય કિશોરને પાંચ દિવસ બાદ શરદી-ખાંસી થતાં કોરોના ટેસ્ટ કરાવાયો હતો, તેમાં તેનો આરટી-પીસીઆર પોઝિટિવ આવતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ કિશોર પોઝિટિવ આવતા જ તેના સંપર્કમાં આવેલા પાંચ વ્યક્તિના ટેસ્ટ કરાયા હતા. તેના સેમ્પલ પણ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવાની તૈયારી કરાઈ છે. આ ઉપરાંત અમદાવાદમાં ટાન્ઝાનિયાથી સારવાર માટે આવેલું એક દંપતી પણ રવિવારે ઓમિક્રોન પોઝિટિવ આવ્યું છે, જેમને હવે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર અપાઈ રહી છે. તેમજ બ્રિટન-દુબઈથી અમદાવાદ આવેલો તેમજ સિવિલ હોસ્પિટલમાં દાખલ આણંદનો 48 વર્ષીય પુરુષ પણ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે.
આ ઉપરાંત રાજકોટના ત્રાંબા ગામની આર.કે. યુનિવર્સિટીમાં ટાન્ઝાનિયાથી અભ્યાસર્થે આવેલો એક 23 વર્ષીય વિદ્યાર્થી ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. આ યુવક 12 ડિસેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો, જ્યાંથી તે બસ મારફતે રાજકોટ પહોંચ્યો હતો. તંત્ર હજુ સુધી આ બસની ઓળખ કરી શક્યું નથી.
બીજી તરફ, સુરતમાં પણ એક સપ્તાહમાં જ ઓમિક્રોન વેરિયન્ટનો બીજો કેસ નોંધાયો છે. અહીંના ઉતરાણમાં રહેતા 39 વર્ષીય મહિલા ફેશન ડિઝાઈનર તેમના 18 વર્ષીય પુત્ર અને 19 વર્ષીય પુત્રી સાથે દુબઈથી પાછા આવ્યા હતા. બાદમાં તેઓ 13 ડિસેમ્બરે ફરી સુરત એરપોર્ટથી શારજહાંની ફ્લાઈટમાં દુબઈ જવાના હતા, પરંતુ એરપોર્ટ પર તેમના આરટી-પીસીઆર ટેસ્ટ કરીને સેમ્પલ જિનોમ સિક્વિન્સિંગ માટે મોકલાયા હતા. તેમાં ફેશન ડિઝાઈનર મહિલા ઓમિક્રોન પોઝિટિવ આવ્યા હતા, જ્યારે તેમના બંને સંતાન નેગેટિવ આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે