આસામ સરકારે મદરેસાઓ માટે લીધો વધુ એક મોટો નિર્ણય, જલદી બહાર પડશે નોટિફિકેશન
Trending Photos
ગુવાહાટી: આસામ સરકાર (Assam government) તમામ સરકાર દ્વારા સંચાલિત મદરેસાઓ (madrassa) અને સંસ્કૃત શાળાઓને બંધ કરવાની જાહેરાત કરી ચૂકી છે. આ અંગે નોટિફિકેશન નવેમ્બરમાં બહાર પાડવામાં આવશે. હવે સરકારે નિર્ણય લીધો છે કે આ મદરેસાઓ, સંસ્કૃત શાળાઓને હાઈસ્કૂલોમા ફેરવી દેવાશે અને પ્રાઈવેટ મદરેસાઓ ચાલુ રહેશે. આ જાણકારી આસામના શિક્ષણમંત્રી હિમંત બિસ્વા સરમા(Himanta Biswa Sarma)એ આપી છે.
રેગ્યુલર થશે વિદ્યાર્થીઓ
આસામના શિક્ષણમંત્રીએ કહ્યું કે રાજ્ય મદરેસા શિક્ષણ બોર્ડ, આસામને ભંગ કરી દેવાશે. ત્યારબાદ સરકાર દ્વારા સંચાલિત તમામ મદરેસાઓને હાઈસ્કૂલોમાં ફેરવી દેવાશે. છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને પાસ થયા બાદ શાળા છોડવાની મંજૂરી મળશે. આગામી વર્ષ જાન્યુઆરીમાં આ શાળાઓમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓએ રેગ્યુલર વિદ્યાર્થીની જેમ અભ્યાસ કરવો પડશે.
સરમાએ કહ્યું કે સંસ્કૃત શાળાઓને કુમાર ભાસ્કરવર્મા સંસ્કૃત વિશ્વવિદ્યાલયને સોંપી દેવાશે અને તેમના શિક્ષણ અને અનુસંધાનને કેન્દ્રોમાં ફેરવી દેવાશે. જ્યાં ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને રાષ્ટ્રવાદનો અભ્યાસ કરાશે. તેમણે કહ્યું કે આ પગલું એટલા માટે લેવાયું છે જેથી કરીને વિદ્યાર્થીઓને આસામ માધ્યમિક શિક્ષણ બોર્ડ હેઠળ નિયમિત શિક્ષણ મળી શકે.
રાજકીય નિર્ણય નથી
તેમને એમ પૂછવામાં આવ્યું કે શું આ પગલું આગામી વર્ષે થનારી આસામ વિધાનસભા ચૂંટણીને જોતા લેવાયું છે તો તેમણે કહ્યું કે આ એક ચૂંટણીલક્ષી મુદ્દો કેવી રીતે હોઈ શકે? અમે ફક્ત સરકારના મદરેસાઓ બંધ કરી રહ્યા છે, ખાનગી નહીં. તેમણે દાવો કર્યો કે સરકારી મદરેસાઓમાં પ્રવેશ લેનારા મોટાભાગના વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર બનવા માંગે છે અને તેમને એ વાતની જાણકારી નથી કે આ રેગ્યુલર શાળા છે કે નહીં. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું આ બાળકોના માનવાધિકારોનો ભંગ નથી? સરમાએ કહ્યું કે આસામમાં 610 સરકારી મદરેસાઓ છે, જેના માટે રાજ્ય સરકાર વાર્ષિક 260 કરોડ રૂપિયા ખર્ચ કરતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે