વિનેશ ફોગાટની અપીલ કોર્ટે નકારી, ભારતને સિલ્વર મેડલ મળવાની આશા તૂટી
પેરિસ ઓલિમ્પિક્સમાં વજન વધુ હોવાને કારણે વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરી દીધી હતી. ત્યારબાદ વિનેશે આ મુદ્દે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હવે કોર્ટે વિનેશની અરજી ફગાવી દીધી છે.
Trending Photos
પેરિસઃ વિનેશ ફોગાટ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સે વિનેશ ફોગાટના કેસને નકારી દીધો છે. એટલે કે હવે ભારતીય રેસલરને મેડલ મળશે નહીં. એટલે કે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે. કોર્ટે આખરે પોતાનો ચુકાદો જાહેર કરી દીધો છે.
કોર્ટે આપ્યો ચુકાદો
પેરિસ ઓલિમ્પિક્સમાં વિનેશ ફોગાટને ફાઈનલ પહેલા અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ વિનેશે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) માં ફરિયાદ દાખલ કરી હતી. તેની સુનાવણી પહેલા થઈ ગઈ હતી, પરંતુ ચુકાદાની તારીખ સતત ટળતી રહી હતી. હવે આ મામલામાં કોર્ટે બુધવાર (14) ઓગસ્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. વિનેશ ફોગાટની અપીલ નકારી દેવામાં આવી છે. એટલે કે તેને હવે સિલ્વર મેડલ મળશે નહીં.
ગોલ્ડ મેડલ મેચ પહેલા અયોગ્ય જાહેર
આખરે આ ઘટના શું છે અને કઈ રીતે શરૂ થઈ હતી? હકીકતમાં પેરિસ ઓલિમ્પિક્સ દરમિયાન વિનેશે 6 ઓગસ્ટે સતત 3 મેચ રમી 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ કુશ્તીની ફાઈનલમાં પ્રવેશ કરી સિલ્વર મેડલ પાક્કો કરી લીધો હતો. ગોલ્ડ મેડલ મેચ 7 ઓગસ્ટે રમાવાની હતી, પરંતુ તે દિવસે સવારે વિનેશને ડિસક્વોલિફાઈ કરી દેવામાં આવી, કારણ કે મેચ પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ હતું.
ત્યારબાદ વિનેશે CAS માં કેસ દાખલ કરાવ્યો હતો. તેની માંગ હતી કે તેને ગોલ્ડ મેડલ મેચ રમવાની મંજૂરી આપવામાં આવે. પરંતુ નિયમોનો હવાલો આપતા તેની આ માંગ તત્કાલ નકારી દેવામાં આવી હતી. ત્યારબાદ વિનેશે અપીલ કરતા કહ્યું કે તેને આ ઈવેન્ટનો સિલ્વર મેડલ આપવો જોઈએ.
વિનેશે રેસલિંગને કહ્યું અલવિદા
7 ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિક્સમાં 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ કુશ્તીની ફાઈનલ રમાઈ હતી. તેના આગામી દિવસે વિનેશે રેસલિંગને અલવિદા કહી દીધું હતું. તેણે આ જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી.
વિનેશે કહ્યું હતું કે માં કુશ્તી મારી સામે જીતી ગઈ. હું હારી ગઈ માફ કરજો તમારૂ સપનું અને મારી હિંમત બધુ તૂટી ગયું. તેનાથી વધુ તાકાત નથી રહી હવે. અલવિદા કુશ્તી 2001-2024. તેણે માફી માંગતા કહ્યું કે હું તમારા બધાની ઋણી રહીશ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે