ગુજરાતમાં ફરી ધર્મ પરિવર્તનનું ભુત ધૂણ્યું, કચ્છના પશુપાલકોને નનામી પત્ર મળતા ચકચાર
કચ્છના અબડાસા તાલુકાના મુઠિયાર ગામમાં લાલચ સાથે ધર્મ પરિવર્તન માટે પ્રેરતો પત્ર ગામના 4 પશુપાલકોને ટપાલ મારફતે મળ્યો હતો. ધર્મ પરિવર્તન માટે 1 થી 10 લાખ સુધીની રકમ મળશે તેવી લાલચ પણ આપવામાં આવી છે.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: અબડાસા તાલુકો જેનું નામ અબળો અડભંગ જે મુસ્લિમ સુમરીઓને બચાવવા માટે પોતાનું બલિદાન આપ્યું એ ભૂમિ પર 4 ક્ષત્રિયોને ધર્મ પરિવર્તન માટે લાખો રૂપિયાની લાલચ આપીને પત્ર મળતા ચકચાર મચી ગઇ છે. કચ્છના અબડાસા તાલુકાના મુઠિયાર ગામમાં લાલચ સાથે ધર્મ પરિવર્તન માટે પ્રેરતો પત્ર ગામના 4 પશુપાલકોને ટપાલ મારફતે મળ્યો હતો. ધર્મ પરિવર્તન માટે 1 થી 10 લાખ સુધીની રકમ મળશે તેવી લાલચ પણ આપવામાં આવી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અબડાસા તાલુકાના મુઠિયારના પશુપાલકોને નનામી પત્ર મળ્યો હતો અને નામ બદલવા સાથે ધર્મ પરિવર્તનની સલાહ આપતો અને હિમાયત કરતો પ્રલોભન સાથેનો પત્ર ટપાલ મારફતે પશુપાલકને મળતા આ બાબતે પોલીસને લેખિત ફરિયાદ-અરજી અપાઇ હતી. મુઠિયા૨ ગામના રહેવાસી અને વ્યવસાયે પશુપાલક કરશનજી દેશરજી બારાચ, સથુભા જાડેજા, ભાનુભા ચાવડા અને જામભા ચાવડાને ધર્મ પરિવર્તન માટે પત્ર મળ્યા હતા.
આ તમામ પશુપાલકો દ્વારા નલિયા પોલીસને આ લેખિત ફરિયાદ અપાઇ હતી. ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ પણ આ લોકોને પૂરતો સાથ આપ્યો છે. અજ્ઞાત શખ્સ દ્વારા ટપાલથી મોક્લવામાં આવેલો આ પત્ર ગત તા. 29મીના ફરિયાદીને મળ્યો હતો. જેમાં પ્રલોભન આપવાની વાત કરવા સાથે નામ બદલી નાખવા અને કોનો સંપર્ક કરવો તેની વિગતો લખાયેલી હતી. આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી ફરિયાદીએ માગણી કરી હતી.
મુઠીયાર ગામે રહેતા કરશનજી બલોચ નામના અશિક્ષિત વ્યક્તિના નામે ઘરમાં ટપાલ આવતા પૌત્રએ વાંચી અને તેમાં તેમને ‘કાસમછા’ બની જવા જણાવી રૂ.1 થી 10 લાખ સુધીની રકમ મળશે તેવી લાલચ આપવામાં આવતા નલિયા પોલીસે બનાવ અનુસંધાને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો ગામના જ બીજા ક્ષત્રિય સમાજના લોકોને સાલેમામદ નામ રાખીને ધર્મ પરિવર્તન કરવા માટે લાલચ સાથેનો પત્ર મળ્યો છે.
મુઠીયાર ગામે રહેતા અને ખેતી-પશુપાલન સાથે સંકળાયેલા ફરિયાદીઓ પીએસઆઇને સંબોધીને કરેલી અરજીમાં જણાવ્યું કે, તેઓ તારીખ 29ના સાંજના સમયે ઘરે હતા ત્યારે પોસ્ટ ઓફીસના ટપાલી દ્વારા પોતાના નામજોગ લખાયેલું બંધ પરબીડીયું આપવામાં આવ્યું હતું. જેને ખોલતા તેની અંદર એક લખાણવાળું કાગળ મળી આવતા પૌત્ર હરપાલસિંહ પાસે તેનું વંચાણ કરાવતા કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કરશનજીને નાણાકીય લોભ લાલચ આપીને નામ ‘કાસમછા’ રાખવા જણાવ્યું હતું અને 1 લાખ થી 10 લાખ સુધી સહાય આપવામાં આવશે. જેના માટે રામપર અબડાસા જમાતનો સંપર્ક કરવાનું જણાવી મોબાઈલ નંબર 4089395800 લખેલા હતા.
આ પ્રકરણની તટસ્થ તપાસ માટે પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે. બનાવ અંગે નલિયા પીએસઆઇ વિક્રમ ઉલવાથી વાત કરતા તેમણે જણાવ્યું કે, મુઠીયાર ગામના કરશનજીની અરજી મળી છે જેને ધ્યાને લઇ અરજદારના નિવેદન લેવા સાથે વિવિધ મુદાઓ પર તપાસ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.
ક્ષત્રિય સમાજ અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા તટસ્થ તપાસની માંગ
આ બનાવ બાબતે ક્ષત્રિય સમાજ તથા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓમાં પણ રોષ જોવા મળ્યો છે. આ ઉપરાંત આ પત્ર મોકલનાર અને આવું કૃત્ય કરનાર ગને તે ધર્મનો વ્યક્તિ હોય તેની સામે યોગ્ય કાર્યવાહી અને તટસ્થ તપાસ કરવા માટેની માંગ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે