રાજકોટમાં વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન લૂંટવાનો પ્રયાસ, CCTV માં કેદ થઈ આખી ઘટના
Trending Photos
- રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં સ્કૂટર પર આવેલા ચોરે એકલી જતી વૃદ્ધાને ટાર્ગેટ બનાવી હતી
- અછોડાતોડે સૌથી પહેલા મહિલાનુ ગળુ દબાવ્યું, બાદમાં ચેન તોડવાનો પ્રયાસ કર્યો
ગૌરવ દવે/રાજકોટ :એકલા રહેતા અને રસ્તા પર એકલા જતા વૃદ્ધોને ટાર્ગેટ કરીને લૂંટ કરવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં ચીલઝડપનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકલા જતા વૃદ્ધાના ગળામાં પહેરેલી સોનાની ચેઈન એક એક્ટિવાચાલક લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા અને અછોડાતોડ વચ્ચે થયેલી ઝપાઝપી સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં વધુ એક ચિલઝડપની ઘટના આવી સામે છે. શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વૃદ્ધા પર અછોડાતોડે હુમલો કર્યો હતો. રાજકોટના ગીતાબા ભટ્ટી નામની વૃદ્ધા સાથે આ બનાવ બન્યો હતો. તેમણે ઝી 24 કલાકને જણાવ્યું કે, હું રોજ સવારે 7.30 વાગ્યાની આસપાસ લીંબુની વાડીથી મહાવીર નગરે પ્રાર્થના માટે જઉ છું. હું પ્રાર્થના કરીને પરત આવતી હતી ત્યારે મારી સામે એક ભાઈ સ્કૂટર પર આવ્યા હતા, અને તેમણે પાસે સ્કૂટર પાર્ક કર્યું. હું કંઈ સમજુ તે પહેલા તો તેઓ મારી સામે આવ્યા અને મારું ગળુ દબાવ્યું હતું. ગળુ દબાતા અવાચક રહી ગઈ હતી. કંઈ બોલ્યા જેવી ન રહી હતી. ગળુ દબાવાથી મારી હાલત બગડી હતી, મને કઈ થઈ જશે એ બીકે ચોરે હાથ ઢીલો કર્યો હતો. તેથી મેં રાડારાડ કરી હતી. જેના બાદ ચોર ચેન ખેંચીની ભાગવા જતો હતો, પણ નસીબજોગે મારી ચેન નીચે પડી ગઈ હતી. બે-ત્રણ લોકો દૂરથી આવતા હતા ચોર પોતાના સ્કૂટર પર ભાગી છૂટ્યો હતો. બાદમાં મેં પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો, જેથી ગણતરીના મિનિટોમાં પોલીસ આવી હતી.
વૃદ્ધા સાથે બનેલી સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે એક શખ્સે સોનાની ચેન ઝડપવાનો પ્રયાસ કર્યો હતો અને વૃદ્ધાનો જીવ જોખમમાં મૂક્યો હતો. અનાયાસે ત્યાં આવી ચઢેલા કૂતરાએ ચોર પર ભોંકવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, ચોરીનો પ્લાન નિષ્ફળ નીવડ્યો હતો.
ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.એ.વાળાના જણાવ્યા મુજબ, પોલીસ સ્ટાફે સ્થળે પહોંચીને તપાસ કરી છે. અલગ અલગ CCTV તપાસી આસપાસના નિવેદન નોંધી અને મહિલાની ફરિયાદ નોંધી છે.
આ પણ વાંચો : ચૂંટણી રેલીમાં મોં ઢાંક્યા વગર ફર્યા બાદ ભાજપ-કોંગ્રેસના ઢગલાબંધ નેતાઓ કોરોનામાં સપડાયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે