Pakistan ના PM એ છુપાયેલાં ખજાનામાં ભાગ માંગ્યો, તો તત્કાલીન PM ઈન્દિરા ગાંધીએ કહ્યું ઠેંગો મળશે!
પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી જુલ્ફિકાર અલી ભુટ્ટોએ ઈન્દિરા ગાંધીને એક પત્ર લખ્યો, જે પત્ર બાદ સમગ્ર દુનિયાનું ધ્યાન ભારતની ગુલાબી નગરી જયપુરની તરફ થયું, કેમ કે આ પત્રમાં માગ્વામાં આવ્યો હતો આમેરના ખજાનાનો અડધો ભાગ.
Trending Photos
યશ કંસારા, અમદાવાદઃ 1975ના ઈમરજન્સી કાળમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો કિસ્સો હોય તો તે છે પ્રખ્યાત જયગઢ કિલ્લા પર પડેલી ઈન્કમ ટેક્સની રેડનો અને કિલ્લામાં છુપાયેલા ખજાનાના ખોજની કહાનીનો, જે અંગે આજ સુધી કોઈ અધિકારીક પુષ્ટી નથી થઈ. તે સમયે ઈન્દિરા ગાંધી સરકાર દ્વારા ખજાને ખોજવાના સમાચાર એટલી તીવ્ર ગતિએ વહેતા થયા હતા કે, પાકિસ્તાનના તત્કાલિન પ્રધાનમંત્રી જુલ્ફીકાર અલી ભુટ્ટોએ પત્ર લખીને ઈન્દિરા ગાંધી પાસેથી અડધા ખજાનો હકથી માગ્યો હતો.
ક્યાંથી આવ્યો ખજાનોઃ
પાકિસ્તાનના તત્કાલિન PM જુલ્ફીકાર અલી ભુટ્ટોએ ભલે 1976માં આ ખજાનાની માગ કરી હતી. પણ તે ખજાનો જયગઢ કિલ્લામાં ક્યાંથી આવ્યો તેના માટે 500 વર્ષ પાછળ જવું પડશે. 1581માં અકબરે પોતાના સેનાપતિ માન સિંહને અફઘાનિસ્તાનના વિદ્રોહી કબીલાઓ સામે જંગ લડવા માટે મોકલયા. મુગલ બાદશાહની આશા પર ખરા ઉતરતા માન સિંહે તમામ વિદ્રોહીઓને હરાવ્યા, અને અફઘાનમાં મુગલોનો પરચમ લેહરાવ્યો. કહેવામાં આવે છે કે આ હુમલાઓ દરમિયાન માન સિંહની સેનાને ખજાનો મળ્યો હતો, જેને માન સિંહે અકબરની જાણ બહાર આમેરના કિલ્લામાં છુપાવ્યો હતો. અકબરને આ ખજાના મામલે કોઈ જ ભનક લાગી ન હતી.
કેવી રીતે ખુલ્યો ખજાનાનો રાઝઃ
એક ફારસી પુસ્તક હફ્ત તિલિસ્માત-એ-આંબેરી, જેનો અર્થ થાય છે આંબેરના 7 ખજાનાઓનો રહસ્ય. આ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે, આમેરના કિલ્લાના 7 તળાવોના નીચે 7 ખજાના છુપાવવામાં આવ્યા છે. આ પુસ્તક પછી આમેરમાં ખજાનો હોવાનો કિસ્સો ચર્ચમાં આવ્યો. પહેલાં મુગલ, પછી અંગ્રેજોએ ઘણીવાર આ ખજાનાને શોધવાના પ્રયાસો કર્યા પણ તમામ નિષ્ફળ રહ્યા.
ઈન્દિરા ગાંધી VS મહારાની ગાયત્રી દેવીઃ
1947માં ભારત આઝાદ થયું, આઝાદીના સમયે જયપુરના મહારાજ હતા સવાઈ માન સિંહ દ્વિતીય, જેમના લગ્ન થયા હતા મહારાની ગાયત્રી દેવી સાથે. મહારાની ગાયત્રી દેવીનું ભણતર રવિન્દ્રાથ ટેગોરના શાંતિ નિકેતનના પાર્થો ભવનમાં થયું હતું. તે સમયે જવાહર લાલ નેહરુની પુત્રી ઈન્દિરા ગાંધી પણ ત્યાં ભણતા હતા. કહેવામાં આવે છે કે, બને વચ્ચે વિદ્યાર્થી કાળથી જ કડવાહટ હતી. લગ્ન પછી બિહારના કૂચની રાજકુમારી ગાયત્રી દેવી જયપુરની મહારાની બની હતી અને ઈન્દિરા ગાંધી બન્યા હતા ભારતના પ્રધાનમંત્રી.
ખજાનાની શોધઃ
1975માં દેશભરમાં ઈમરજન્સી લાગૂ કરવામાં આવી અને તે સમયે ઘણા નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા. અને તેમાંથી એક ગાયત્રી દેવી પણ હતા કેમ કે ગાયત્રી દેવી સંસદ સભ્ય હતા અને તેમણે ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને મોટા માર્જીનથી 2 વખત હરાવ્યા હતા અને બંને વચ્ચે દુશમની તો પહેલાંથી જ હતી. 10 જૂન 1976ના રોજ ભારતીય આર્મી, રાજસ્થાન પોલીસ અને ઈન્કમ ટેક્સની ટીમે જયપુરના જયગઢ કિલ્લા પર રેડ કરી. પુરા કિલ્લામાં ખોદકામ કરીને તેને તહસ નહસ કરી નખાયો. કર્ફ્યૂ જેવા માહોલમાં પણ જયપુરમાં આ સમાચાર વાયુ વેગે ફેલાયા કે, ઈન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીના આદેશ પર ભારતીય સેના અને પોલીસ કિલ્લામાં ખજાનો શોધી રહી છે. પછી સવાલ એવો ઉભો થયો કે જો ખજાનો આમેરના કિલ્લામાં છે તો રેડ કેમ જયગઢના કિલ્લા પર કરવામાં આવી અને શોધખોળ કેમ ત્યાં કરવામાં આવી રહી છે. જવાબ મળ્યો કે આ બંને કિલ્લા ટનલથી જોડાયેલા છે. જેથી ખજાનો શોધવા માટે આ ટનલની શોધ કરવામાં આવી રહી છે.
ભુટ્ટોનો પત્ર અને ઈન્દિરાનો જવાબઃ
સરકારના તમામ પ્રયાસો બાદ પણ ખાજાનાની ખોજના સમાચાર સરહદ પાર પાકિસ્તાન પહોંચ્યા અને પછી સમગ્ર વિશ્વમાં ફેલાયા. પાકિસ્તાનના PM જુલ્ફીકાર અલી ભુટ્ટોએ ઈન્દિરા ગાંધીને ઓગસ્ટ 1976માં પત્ર લખ્યો હતો અને 1947માં થયેલા સમાધાન અંગે યાદ અપાવી ખજાનાનો અડધો ભાગ માગ્યો હતો. ઈન્દિરા ગાંધી તે સમયે ચુપી બનાવી રાખી. પણ નવેમ્બર 1976માં જવાબી પત્રમાં ઈન્દિરા ગાંધી લખ્યું હતું કે, પ્રિય PM ભુટ્ટો, મે પોતાની લીગલ ટીમ સાથે વાત કરી અને તેમની સાથે વાત કર્યા બાદ મને જાણવા મળ્યું કે, 1947ના સમાધાન મુજબ, અમે કોઈ પણ ખજાનામાં પાકિસ્તાનને ભાગ આપવા માટે બંધાયેલા નથી... એમ પણ કોઈ ખજાનો મળ્યો નથી, તો પછી ભાગ આપવાનો કોઈ સવાલ જ નથી.
ક્યાં ગયો ખજાનોઃ
પછીથી ઈન્દિરા ગાંધીએ ખુદ માહિતી આપી કે, જયગઢ કિલ્લામાંથી માત્ર 230 કિલો ચાંદી મળી હતી અને કોઈ ખજાનો નહીં. તેમ છતા આજે પણ ખજાનાને લઈને અફવાઓ આજે પણ જયપુરમાં વહે છે. કોઈ કહે છે કે, સરકારને ત્યાંથી ખજાનો મળ્યો હતો, જેને પહેલાં દિલ્લી અને પછી સ્વિટઝરલેન્ડ લઈ જવામાં આવ્યો હતો. તો હજુ એક એવી વાત છે કે સવાઈ માન સિંહ દ્વિતીયએ ખજાનો શોધી કાઢ્યો હતો અને તે ખજાનામાંથી જયપુર શહેર બનાવ્યું હતું. પણ આ બંને વાર્તાઓ માત્ર ચર્ચાને પાત્ર જ છે કેમ કે બંનેમાંથી એક પણ વાર્તાને લાગતું કોઈ તથ્ય બહાર નથી આવ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે