અચાનક કોર્ટ છોડી રાજકારણમાં કેમ? હાઈકોર્ટના પૂર્વ જજે જણાવી BJP માં જોડાવા પાછળની કહાની
કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ પદેથી રાજીનામું આપ્યાની ગણતરીની પળોમાં અભિજીત ગંગોપાધ્યાયે રાજકારણમાં ઝંપ લાવવાની અને તેમા પણ ભાજપમાં જોડાવવાની જાહેરાત કરીને સોપો પાડી દીધો. તેમના આ નિર્ણય પર ટીએમસીએ આકરી પ્રતિક્રિયા પણ આપી.
Trending Photos
કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ પદેથી રાજીનામું આપ્યાની ગણતરીની પળોમાં અભિજીત ગંગોપાધ્યાયે રાજકારણમાં ઝંપ લાવવાની અને તેમા પણ ભાજપમાં જોડાવવાની જાહેરાત કરીને સોપો પાડી દીધો. તેમના આ નિર્ણય પર ટીએમસીએ આકરી પ્રતિક્રિયા પણ આપી. ટીએમસીએ એક જજ તરીકે તેમની નિષ્પક્ષતા પર સવાલ પણ ઉઠાવી દીધા. જો કે ગંગોપાધ્યાયે ટીએમસીના તમામ આરોપોને પાયાવિહોણા અને તેઓ જ્યારે જજ હતા ત્યારે નિષ્પક્ષ હોવાનું જણાવી દીધુ છે. અત્રે જણાવવાનું કે અભિજીત ગંગોપાધ્યાયે મંગળવારે પોતાના પદેથી રાજીનામું આપ્યું અને ગુરુવારે એટલે કે 7 માર્ચે ભાજપમાં જોડાશે. તેમણે એમ પણ કહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સામે ભાજપ જ લડી શકે તેમ છે.
ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં અભિજીત ગંગોપાધ્યાયે તેઓ શા માટે રાજકારણમાં આવ્યા તે અંગે વિસ્તારપૂર્વક જણાવ્યું છે. પોતાના પર લાગેલા આરોપોનો જવાબ પણ આપ્યો છે. ગંગોપાધ્યાયે કહ્યું કે જજ હતો ત્યારે મે ક્યારેય રાજકારણ કર્યું નથી. ક્યારેય એવો નિર્ણય આપ્યો નથી જે રાજનીતિક રીતે પક્ષપાતપૂર્ણ હોય. મે જે પણ ચુકાદો આપ્યો, જે પણ આદેશ પાસ કર્યો તે હંમેશા મારી સામે રજૂ કરાયેલા તથ્યોના આધારે હતો. તેમણે કહ્યું કે, જો કોઈ વધુ પડતો ભ્રષ્ટ હોય અને તેનો ભ્રષ્ટાચાર કોઈ જજ સામે સાબિત થઈ જાય તો જજ હંમેશા યોગ્ય એજન્સી દ્વારા તેની તપાસ સુનિશ્ચિત કરવા માટે યોગ્ય આદેશ આપશે. મે પણ એ જ કર્યું છે. તેઓ કોઈ પણ પાર્ટીના પક્ષમાં નહતા.
અત્રે જણાવવાનું કે જસ્ટિસ ગંગોપાધ્યાયને તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ સાથે અનેકવાર ઘર્ષણ થઈ ચૂક્યું છે. તેમણે પૂછ્યું કે મને એ વાતનું આશ્ચર્ય થઈ રહ્યું છે કે પશ્ચિમ બંગાળ સરકારે મારા દ્વારા પાસ કરાયેલા તમામ આદેશોને પડકારતી વખતે ક્યારેય એવું નથી કહ્યું કે હું એક રાજકીય વ્યક્તિ છું અને હું રાજનીતિક નિર્ણય લઈ રહ્યો છું. તેમણે ક્યારેય અપીલીય કોર્ટ કે સુપ્રીમ કોર્ટ સામે એવો સવાલ ઉઠાવ્યો નથી. હવે તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કારણ કે તેઓ લોકોનું ધ્યાન ભ્રષ્ટાચારના મુદ્દાથી હટાવવા માંગે છે.
ગંગોપાધ્યાયે એ વાતનો પણ ખુલાસો કર્યો કે તેમણે ક્યારેય કોઈ રાજકીય પક્ષમાં સામેલ થવાનો ઈરાદો નહતો. તેમણે કહ્યું કે મે વિચાર્યું હતું કે હું યોગ્ય સમયે એટલે કે લગભગ પાંચ મહિના બાદ રિટાયરમેન્ટ લઈશ. પરંતુ પછી મને ખબર પડી કે લોકો મને પડકારી રહ્યા છે અને મને રાજકારણમાં આમંત્રિત કરી રહ્યા છે. મે પણ વિચાર્યું કે મારે પહેલા કેમ ન જવું જોઈએ?
#WATCH | Kolkata, West Bengal | Former Calcutta High Court judge Justice Abhijit Gangopadhyay says, "Maybe on 7th (March) in the afternoon. There is a tentative program, when I will join BJP." pic.twitter.com/IoMosl7PVJ
— ANI (@ANI) March 5, 2024
જજમાંથી રાજનેતા બનવા અંગે પૂછવામાં આવતા ગંગોપાધ્યાયે કહ્યું કે હું સાત દિવસ રજા પર હતો અને રજા પૂરી થતા ભાજપે કેટલાક કોમન ફ્રેન્ડ દ્વારા મારો સંપર્ક કર્યો. મે પણ કેટલાક કોમન ફ્રેન્ડ દ્વારા ભાજપનો સંપર્ક કર્યો. અમે પહેલીવાર એકબીજા સાથે વાત કરી અને ત્યારબાદ મે રાજીનામું આપવાનો નિર્ણય લીધો. અત્રે જણાવવાનું કે એવી અટકળો છે કે જસ્ટિસ ગંગોપાધ્યાય પશ્ચિમ બંગાળના તમલુક સંસદીય બેઠકથી લોકસભા લડી શકે છે. જો કે હાલની ચૂંટણીઓમાં તમલુક સીટ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસનો ગઢ રહી છે. 2009થી સતત આ સીટથી ટીએમસી જીતતી આવી છે.
જો ક બંગાળમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ અહીંથી 2009થી 2014ની લોકસભા ચૂંટણી જીતી હતી. ત્યારે તેઓ ટીએમસી નેતા હતા. ટીએમસી છોડ્યા બાદ પણ 2016ની પેટાચૂંટણીમાં અહીંથી ટીએમસી જીતી હતી. 2009થી 2016 વચ્ચે સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી મમતા બેનર્જીના ખાસ ગણાતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે