આ IT એન્જિનિયર યુવતી ગરીબ બાળકોને પૈસા નહીં, આપે છે એવી વસ્તુ કે લાગશે આજીવન કામ
છેલ્લા બે વર્ષથી ગરીબ બાળકોને અક્ષર જ્ઞાનથી લઈને શાળાએ થતી પ્રવૃતિ કરાવતી જાન્વી ભુવા કહે છે કે દરેકનો શિક્ષણ પર પૂરતો હક્ક છે. આ બાળકોને કંઈક શીખવીને મને આત્મસંતોષ મળે છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત: શાળાઓમાં નવું સત્ર શરૂ થતાં જ સૌ કોઈના બાળકો ઈંગ્લિશ મીડિયમથી લઈને ઈન્ટરનેશનલ સ્કૂલમાં એડમિશન લઈ ભણી રહ્યાં છે. ત્યારે રસ્તા પર કે ઓવરબ્રિજ નીચે આશરો મેળવીને જીવન ગુજારતા ગરીબોના બાળકોના અક્ષર જ્ઞાનનું શું? આવા પ્રશ્નના જવાબમાં એક આઈટી એન્જિનિયર યુવતીએ શિક્ષણનો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. છેલ્લા બે વર્ષથી ગરીબ બાળકોને અક્ષર જ્ઞાનથી લઈને શાળાએ થતી પ્રવૃતિ કરાવતી જાન્વી ભુવા કહે છે કે દરેકનો શિક્ષણ પર પૂરતો હક્ક છે. આ બાળકોને કંઈક શીખવીને મને આત્મસંતોષ મળે છે.
સુરતના મોટા વરાછા ખાતે આવેલી સ્કાઈલાઈન બિલ્ડીંગમાં રહેતી જાન્વી ભુવાને ગરીબ બાળકોને ચિંતા છે. બે વર્ષ પહેલાં કંઈક કરવાનો વિચાર આવ્યો હતો. ગરીબોના બાળકોને આગળ વધારવા માટે જાન્વીએ સરથાણા જકાતનાકા ખાતે તક્ષશિલા બિલ્ડીંગની સામે રોડ પર જ રહેતા લોકોના બાળકો માટે શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી. અમે સારું શિક્ષણ મેળવ્યું તો આ બાળકોને કેમ નહી તે હેતુથી આ ક્લાસ ચલાવવામાં આવે છે.
જાન્વી કહે છે કે, શરૂઆતમાં મને પણ સંકોચ થતો અને બાળકોના વાલીઓને પણ એવું જ થતું. જો કે, મેં હિંમતપૂર્વક શરૂઆત કરી. ધીમે ધીમે નાના મોટા કરીને અત્યારે 12 બાળકો અમારી પાસે રોજ આવે છે. હવે એ મારાથી મૂંજાતા નથી. મને પણ જે દિવસે ત્યાં અભ્યાસ કરાવવા ન જાવ તે દિવસે કંઈ જ કર્યું હોય તેમ લાગે. એટલે બીજા દિવસે એક્સ્ટ્રા ક્લાસ પણ ચલાવી લઉં. ઓવરબ્રિજ નીચે રોજ જામતી જ્ઞાનની ધારામાં ક્યારેક જાન્વીને રજા પડે તો શું થાય તે અંગેના સવાલના જવાબમાં તેણીએ કહ્યું કે, અમૂક બાળકો છેલ્લા 2 વર્ષથી સતત ભણે છે. તેઓ તરત જ સવાલ કરે કે, તમે ગઈકાલે કેમ નહોતા આવ્યાં. ત્યારે મને વધુ બળ મળે કે મારે આ કામ કર્યે જ રાખવાનું છે. મારી ઈચ્છા વિદેશ જવાની છે ત્યારે હું કોઈકને આ જવાબદારી સોંપી દઈશ અથવા તો આ બાળકો માટે શાળા કે હોસ્ટેલની વ્યવસ્થા કરવાનો વિચાર છે.
ઓવરબ્રિજ નીચે વાહનોના અવાજ અને હોર્ન વાગતા હોય તો પણ એકાગ્રતાથી ભણતા આ બાળકોનો અભ્યાસ પ્રાર્થનાથી શરૂ થાય અને તેમના દૈનિક કાર્યો વિષે પૂછપરછ થયા પછી ભણાવવામાં આવે, અક્ષરજ્ઞાન અપાય અને ગેમ રમાડવામાં આવે તથા ગીતો ગવડાવવામાં આવે અને છેલ્લે રાષ્ટ્રગીત સાથે તમામ બાળકો સારા નાગરિકો બને તેવી ભાવના સાથે ક્લાસને પૂર્ણ કરવામાં આવે. લોકો સહયોગ આપે છે.
જાન્વીએ જણાવ્યું હતું કે, મારા આ ક્લાસમાં લોકોનો પણ સહયોગ મળે છે. રસ્તા પરથી નીકળતા લોકો કંઈકને કંઈક સહયોગ આપે છે. કોઈ ચોપડા આપી જાય છે. તો કોઈ પેન્સિલ, નોટબૂક જે લોકોથી જે સહયોગ થઈ શકે તે આપવામાં આવે છે. બસ રોજનો એક કલાકથી લઈને ત્રણ કલાક સુધી આ બાળકોને ભાર વગરનું ભણતર અપાય છે. બાળકોના વાલીઓની આંખોમાં પણ સંતોષ અને આભારની લાગણીઓ જોવા મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે