અમદાવાદમાં હોર્ન મારવા જેવી સામાન્ય બાબતે મહિલા PSI સાથે મારામારી, આરોપીઓએ અપશબ્દો પણ કહ્યાં

અમદાવાદમાં એક મહિલા પીએસઆઈ સાથે મારામારીની ઘટના સામે આવી છે. મહિલા પીએસઆઈ પોતાની કારમાં જઈ રહ્યાં હતા ત્યારે તેમણે હોર્ન માર્યું હતું. આ દરમિયાન ટુ-વ્હીલર ચાલક ઉશ્કેરાયો હતો અને મારામારી કરી હતી. 

અમદાવાદમાં હોર્ન મારવા જેવી સામાન્ય બાબતે મહિલા PSI સાથે મારામારી, આરોપીઓએ અપશબ્દો પણ કહ્યાં

ઉદય રંજન, અમદાવાદઃ નાગરિકોની સુરક્ષાની જવાબદારી પોલીસ પર હોય છે. પરંતુ અમદાવાદમાં પોલીસ જ સલામત ન હોવાની ઘટના સામે આવી છે. સરખેજ વિસ્તારમાંથી પસાર થતી મહિલા પીએસઆઇએ આગળ જઈ રહેલા ટુ વ્હીલર ચાલકને હોર્ન મારતા ટુ વ્હીલર ચાલક ઉશ્કેરાયો હતો.  ત્યારબાદ બાઇક ચાલકોએ મહિલા પીએસઆઈને માર માર્યો હતો. 

શું હતી ઘટના
પ્રાપ્ત વિગત અનુસાર એક મહિલા પીએસઆઈ સરખેજ જુહાપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યાં હતા. આ દરમિયાન મહિલા પીએસઆઈએ હોર્ન માર્યું હતું. ત્યારે ચાર શખ્સોએ આવી મહિલા પીએસઆઈને કહ્યું કે હોર્ન કેમ મારે છે. તેમણે મહિલા પીએસઆઈને અપશબ્દો કહી માર માર્યો હતો. એટલું જ નહીં મહિલા પીએસઆઈને બચાવવા માટે વચ્ચે પડેલા આઈબીના પીએસઆઈને પણ આરોપીઓએ માર માર્યો હતો. આ ઘટનાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે મહેમૂદ બકર અન્સારી,તનવીર એ આલમ અન્સારી, ખાલિદ અન્સારી નામના વ્યક્તિઓની ધરપકડ કરી છે.

ફરિયાદી મહિલા પીએસઆઇ કૌશર જલવાણી જે કારંજ પોલીસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવે છે તેઓ તેમની ડ્યુટી પૂર્ણ કર્યા બાદ ઘરે પરત ફરી રહ્યાં હતા. તે દરમિયાન સરખેજ વિસ્તારમાં તેમની કારની આગળ એક ટુ વ્હીલર ચાલક મહેમૂદ બકર અન્સારી જઈ રહ્યો હતો. જે સાઈડ ન આપતા મહિલા પીએસઆઇએ તેને હોર્ન માર્યાં હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલા ટુ વ્હીલર ચાલક આરોપીએ તેની પત્ની તેમજ પિતરાઈ ભાઈ સાથે મળીને હોર્ન કેમ મારે છે તેમ કહી મહિલા પીએસઆઇની કારની ચાવી લઈ લીધી હતી. 

બંને પક્ષે બોલાચાલી ઉગ્ર બનતા મહિલા પીએસઆઇ તેમની ઓળખાણ પોલીસ કર્મચારી તરીકે આપી હતી. જેને લઇ આરોપીઓએ વધારે ઉશ્કેરાઇને મહિલા પીએસઆઇને સાથે મારઝુડ કરી હતી. એટલું જ નહીં મહિલા પીએસઆઇને બચાવવા વચ્ચે પડેલા આઈબીના પીએસઆઈને પણ આરોપીઓએ માર માર્યો હતો ત્યારબાદ આઇબી PSI ઘટના સ્થળેથી ભાગીને વેજલપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં સમગ્ર ઘટનાને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડી આરોપીઓની વિરૂધ્ધ ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી.

મહિલા આરોપી સિદરા અન્સારીને કોર્ટમાં રજૂ કર્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓએ ભૂતકાળમાં આવા કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તેમજ મહિલા PSI પર હુમલો કરવા માટે અન્ય કોઈ અદાવત હતી કે કેમ તે દિશામાં વધુ તપાસ કરવા માટે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news