સ્વમાન નડશે! ભરોસાની ભાજપ સરકાર પણ મંત્રીઓ પર નથી ભરોસો, ફફડાટને પગલે લેવાયા આ નિર્ણયો
ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 156 સીટ સાથે રેકોર્ડબ્રેક જીત મેળવીને સત્તામાં વાપસી કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. તેમની ટીમમાં 16 અન્ય લોકોએ મંત્રી પદના શપથ લીધા હતા. પરંતુ ત્યારબાદ સરકારે એક એવો નિર્ણય કર્યો કે જેની ચર્ચા ખુબ થઈ રહી છે.
Trending Photos
ગાંધીનગરઃ ભરોસાની ભાજપ સરકાર પ્રચંડ બહુમતી સાથે બની તો ગઈ છે પણ ભાજપના નેતાઓ પર જ સરકારને ભરોસો નથી. મંત્રી-અધિકારીઓ પર કેબિનેટ બેઠકમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. સરકારને એટલો પણ ભરોસો નથી કે મંત્રીઓ કે અધિકારીઓ કેબિનેટની બ્રિફ બહાર નહીં લીક કરે.. આજે પીએમ મોદીના 2 વિશ્વાસુ અધિકારીઓની હવે સરકારમાં નિમણુક થઈ ગઈ છે. એટલે ભરોસોની સરકાર હવે દિલ્હીના આદેશો તો માનશે પણ કેબિનેટમાં મોબાઈલ બહાર મૂકવા મામલે કોઈ જાહેરમાં બોલતું નથી પણ અંદરો અંદર કચવાટ છે. કારણ કે વાત ભરોસાની છે. મંત્રીઓ કે અધિકારીઓને મોબાઈલ બહાર રાખવા પડે એનાથી કોઈ સમસ્યા નથી પણ સરકાર ભરોસો નથી કરી રહી એ સ્વમાનની વાત છે. ઘણા મંત્રીઓ અને અધિકારીઓ પર આ આંગળી ચીંધવાની વાત છે. વાત મંત્રીઓ અને મુલાકાતીઓ વચ્ચેની હોત તો કોઈ સમસ્યા નહોતી પણ કેબિનેટમાં મોબાઈલ બહાર મૂકવાની વાતથી આજે સચિવાલયમાં પણ ગણગણાટ જોવા મળી રહ્યો છે.
અત્યાર સુધી દર સપ્તાહે મળતી કેબિનેટની બેઠકમાં મંત્રીઓ ઉપરાંત આઇએએસ અધિકારીઓ મોબાઇલ ફોન લઇ જઇ શકતા હતા પણ હવે એવો નિયમ લાગુ કરાયો છે કે, મંત્રીઓ કેબિનેટની બેઠકમાં મોબાઇલ ફોન લઇ જઇ શકશે નહી. આ ઉપરાંત આઇએએસ અધિકારીઓએ પણ કેબિનેટ બેઠકના સ્થળની બહાર જ મોબાઇલ ફોન જમા કરાવવો પડશે. મુખ્યમંત્રી કાર્યાલયે બધાય મંત્રીઓને સૂચના આપી છે જયારે મુખ્ય સચિવે તમામ આઇએએસ અધિકારીઓને નિયમનું પાલન કરવા આદેશ કર્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મેળવ્યા બાદ નવી રચાયેલી સરકારે હવે નવા નિયમો લાદવાનું શરૂ કર્યુ છે. કેબિનેટની બેઠકમાં નીતિ વિષયક નિર્ણય જ નહી, સાંપ્રત મુદ્દાઓને લઇને ચર્ચા થાય છે. આ ઉપરાંત અમુક મુદ્દાઓને લઇને ખાનગી ચર્ચા પણ થતી હોય છે પણ આ ચર્ચા મંત્રી અને આઇએએસ અધિકારી દ્વારા જ લીક થાય છે તેવી સરકારને આશંકા છે. આ કારણોસર જ હવે નવી સરકારે કેબિનેટની બેઠકમાં થયેલી ચર્ચાની ગુપ્તતા જળવાય તે માટે ધમપછાડા કર્યા છે જેના ભાગરુપે જ મોબાઇલ ફોન લઇ જવા પ્રતિબંધ લાદ્યો છે. જોકે, સચિવાલયની ગલિયારીમાં ચર્ચા છે કે સરકારને પોતાના મંત્રીઓ પર વિશ્વાસ રહ્યો નથી. આ નિર્ણયને પગલે ઉચ્ચ અધિકારીઓ પણ શંકાના દાયરામાં મૂકાયા છે. ભાજપ સરકાર બહુમતિથી વિજેતા બની હોવાથી સરકારને કોઈ પણ આદેશ લેવાની છૂટ છે પણ પોતાની સરકારના અધિકારીઓ અને મંત્રીઓ પર ભરોસો ના મૂકવો કેટલા અંશે યોગ્ય એ હાલમાં ચર્ચાનો વિષય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે