ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં સરકારે નવો રેકોર્ડ બનાવ્યો, ખેડૂતોના ખાતામાં સીધો ફાયદો દેખાયો
Gujarat Farmers : ગુજરાતમાં ખેડૂતો પાસેથી અત્યાર સુધીની સૌથી વધુ વિક્રમ સર્જક ૧૨.૨૩ લાખ મેટ્રીક ટન મગફળી ટેકાના ભાવે ખરીદાઈ... ખેડૂત પાસેથી મગફળી ખરીદવાની મર્યાદા ૧૨૫ મણ પ્રતિદિનથી વધારીને ૨૦૦ મણ પ્રતિદિન કરતા ખેડૂતો ખુશ ખુશાલ... ખેડૂતોને ખરીદી બાદ માત્ર સાત દિવસમાં ચૂકવણું કરીને રાજ્ય સરકારે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો... ૨૭૦ કરોડના મૂલ્યની ૫૫,૨૧૩ મે.ટન સોયાબીનની ટેકાના ભાવે ખરીદી પણ પૂર્ણ
Trending Photos
Agriculture News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં મગફળી સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. ભારત અને ગુજરાત સરકારના પ્રો-એક્ટિવ પ્રયાસોના પરિણામે ખેડૂતોની સંખ્યા અને ખરીદ જથ્થાની દ્રષ્ટિએ રાજ્યમાં મગફળી પાકની વિક્રમજનક ખરીદી થઈ છે. સાથે જ, ખેડૂતોને ચૂકવણું પણ ખરીદી બાદના માત્ર ૭ જ દિવસમાં કરવાનો નવો કીર્તિમાન સ્થાપિત થયો છે.
આ સંદર્ભે વિગતો આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્યના ખેડૂતો પાસેથી મગફળીની અત્યાર સુધીની સૌથી વધુ ૧૨.૨૩ લાખ મેટ્રિક ટન ખરીદી કરવામાં આવી છે. રાજ્યના ૩.૬૭ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૮,૨૯૫ કરોડથી વધુ મૂલ્યની મગફળી ખરીદવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા એક ખેડૂત પાસેથી પ્રતિદિન ૧૨૫ મણ મગફળીની ખરીદીની મર્યાદામાં વધારો કરીને ૨૦૦ મણ પ્રતિદિન નિયત કરવામાં આવી હતી. જેના પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં થયેલી મગફળીની કુલ ૨૨.૮૪ લાખ મેટ્રિક ટન ખરીદી સામે આ એક જ વર્ષમાં રેકોર્ડબ્રેક ૧૨.૨૩ લાખ મેટ્રિક ટન ખરીદી થઈ છે. જેનાથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
હિન્દુ મામાએ મુસ્લિમ ભાણીનું મામેરું ભર્યું, આખું ગામ જોતું રહી જાય તેવું મામેરું લઈને પહોંચ્યા
મંત્રીએ કહ્યું કે, ખેડૂતો વાવેતર કરે તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કરવાની નવી પ્રણાલીથી ખેડૂતો નિશ્ચિંત થઈને વાવેતર કરી રહ્યા છે. ચાલુ સિઝનમાં મગફળીનું મબલખ વાવેતર અને મબલખ ઉત્પાદન થવા સાથે બજાર ભાવ કરતા મગફળીનો ટેકાનો ભાવ મણે રૂ. ૨૫૦ જેટલો વધુ હોવાથી ખેડૂતોએ ટેકાના ભાવની આ યોજનાનો મન મુકીને લાભ લીધો છે. એકંદરે આ ૩.૬૭ લાખ ખેડૂતોને કુલ રૂ.૧૫૩૦ કરોડનો સીધો લાભ મળ્યો છે.
નોંધણી કરાયેલા ૩.૭૪ લાખ ખેડૂતોને ખરીદી માટે મેસેજ કર્યા બાદ ૯૮ ટકા ખેડૂતોએ આ યોજનાનો લાભ લેતા સરકારને મગફળીનું વેચાણ કર્યું છે. જે પૈકીના ૨.૯૨ લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા ૬,૬૦૦ કરોડ જેટલી માતબર રકમનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે. બાકીના ખેડૂતોને પણ આગામી સાત દિવસમાં ચૂકવણું પૂર્ણ કરવાનું આયોજન છે, તેવી મંત્રી પટેલે ખાતરી આપી છે.
પારસી સમાજને મોટા સંકટમાંથી બચાવશે આ સરકારી યોજના, વધારે છે સમાજની વસ્તી
અત્રે ઉલ્લેખનીય છે કે, આ રેકોર્ડબ્રેક ખરીદી કોઈપણ અડચણ વગર સુચારૂરુપે પૂર્ણ થાય તે હેતુથી દર અઠવાડિયે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા અધિકારીઓ, કેન્દ્રિય અને રાજ્ય નોડલ એજન્સી તેમજ વખાર નિગમ સાથે સતત સમીક્ષા બેઠકો યોજવામાં આવી હતી. એટલું જ નહીં, કેટલાક ખરીદ કેન્દ્રોની પણ જાત મુલાકાત લઈ ખરીદી સફળતાપૂર્વક પૂર્ણ થાય તે સુનિશ્ચિત કર્યું હતું.
આ ઉપરાંત ખરીદીના તમામ પાસાઓ પર ઝીણવટપુર્વક દેખરેખ રાખવામાં આવી હતી. ખરીદી સમયસર પૂરી થાય તે માટે જરૂરી ખરીદ કેંદ્રો ખોલવા, પ્રત્યેક ખરીદ કેંદ્ર પર જરૂરી બારદાન ઉપલબ્ધી, વધુ ખેડૂતોને બોલાવી ઝડપી ખરીદી થાય તે માટે ઉપયુક્ત તમામ વયવસ્થા, જરૂરી ગોડાઉનોનું આગતોરૂ મેપીંગ તેમજ ખેડૂતોને સમયસર ચુકવણુ થાય તે તમામ બાબતો પર સંબંધિતોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, ગત તા. ૮ ફેબ્રુઆરી બાદ પણ કેટલાક ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ કરવાનું બાકી હોવાથી રાજ્ય સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવી ખરીદી પાંચ દિવસ સુધી લંબાવવામાં આવી હતી. રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં પડકારજનક પરિસ્થિતિ વચ્ચે પણ તમામ ખેડૂતો પાસેથી ખરીદી પૂર્ણ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે