સુરતમાં બેફામ દોડતું મોત! 130ની રફતારે 6 લોકોને કચડી નાખ્યાં! 2 સગા ભાઈઓના મોત
આરોપીએ બેફામ રીતે 130ની સ્પીડે કાર ચલાવી ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ પહોંચી ગયો હતો. કાર ચાલકે સામેથી આવતા એક પછી એક કુલ પાંચ વાહનને ઉડાવી છ વ્યક્તિને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના લસકાણા વાલક અબ્રામા બ્રિજ ઉપર પૂરપાટ ઝડપે કાર દોડી 2 લોકો જીવ લેનાર ચાલકની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ બેફામ રીતે 130ની સ્પીડે કાર ચલાવી ડિવાઈડર કૂદીને રોડની સામેની સાઈડ પહોંચી ગયો હતો. કાર ચાલકે સામેથી આવતા એક પછી એક કુલ પાંચ વાહનને ઉડાવી છ વ્યક્તિને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. તે પૈકી બે સગા ભાઈ કમલેશ બાલુભાઈ સાપોલિયા અને અશ્વિનભાઈ બાલુભાઇ સાપોલિયા નાં સારવાર મળે એ પહેલાં મોત નીપજ્યાં હતાં. અન્ય ચાર ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી તેમની સારવાર ચાલી રહી છે.
સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે અકસ્માત સર્જનાર ટાટા હેક્સા કારનો માલિક મનોજકુમાર કાળુભાઈ ડાખરા છે અને તેનો પુત્ર કીર્તન ડાખરા કાર ચલાવતો હતો યુવતી સહિતના ત્રણ મિત્રો સાથે 20 વર્ષીય કીર્તન ફાર્મહાઉસ ગયા હતાં. ફાર્મ હાઉસમાં મિત્રો સાથે દારૂની મહેફિલ કરી પરત ફરતા સમયે તેણે આ અકસ્માત સર્જાયો હતો.કારમાં એક યુવતી અને ત્રણ યુવક સવાર હતાં. કારની સ્પીડ 130-150 હતી. અને કારમાં સવાર યુવકોએ નશો કર્યો હતો.ઘટના અંજામ આપી તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.બીજી બાજુ આ ઘટનામાં બે સગા ભાઈઓનું મોત નિપજ્યું હતું.4 લોકો ઘાયલ થયા હતા.
ઈજાગ્રસ્ત લોકોમાં એક જ પરિવારના બાળક સહિત ત્રણ લોકો ગંભીર હાલતમાં છે. જેમાં બેની આઇસીયુમાં સારવાર ચાલી રહી છે. આ ઈજાગ્રસ્ત પરિવાર મૂળ ભાવનગર જિલ્લાના શિહોરના આંબળા ગામનો છે. હાલ સુરતમાં ઉત્રાણના રાધે રો હાઉસમાં રહે છે. દોરાની દુકાનમાં નોકરી કરતા ધર્મેશભાઈ બાલાભાઈ જાસોલિયા તેમનાં પત્ની ધર્મિષ્ઠાબેન અને પુત્ર યજ્ઞને ગંભીર ઈજા પહોંચી છે.ઈજાગ્રસ્ત ધર્મેશભાઈ અને તેમનો પરિવાર એક લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન એકદમ ધીમે-ધીમે બાઈક લઈને જઈ રહેલા ધર્મેશભાઈ કઈ વિચારે તે પહેલા જ સામેથી આવતી એક કાર ડિવાઈડર કુદાવીને તેમની તરફ ધસી આવી હતી. અને તેમની બાઈકને ઉડાવી દીધી હતી.જેના પગલે ધર્મેશભાઈ બેભાન થઈ ગયા હતા. આ સાથે જ તેમના પત્ની અને બાળકને પણ ઉડાવતા તેમની પણ હાલત ગંભીર થઈ ગઈ હતી.
તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્રણ કે ચાર કલાક બાદ ધર્મેશભાઈ ભાનમાં આવ્યા હતા. ત્યારે તેમને જાણ થઈ હતી કે તેમની પત્ની અને બાળકની પણ હાલત ગંભીર છે અને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યાં છે. ધર્મેશભાઈના પગમાં ગંભીર ફેક્ચર આવ્યું છે. તેમની પત્નીના પગમાં ફેકચર સાથે માથામાં પણ ગંભીર ઈજા થઈ છે. તેમના દીકરાને પણ પગમાં ફેક્ચર સાથે માથામાં ગંભીર ઈજા થઈ છે. ધર્મેશભાઈના પત્ની અને બાળકની આઇસીયુમાં સારવાર કરવામાં આવી રહી છે.
અકસ્માતમાં કારનો આગળના ભાગનો ખુરદો વળી ગયો હતો. આ સાથે જ અડફેટે આવેલાં વાહનોનો પણ કડુહલો બોલી ગયો હતો. બનાવની જાણ થતાં લસકાણા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. બનાવને પગલે લોકો પણ એકત્ર થઈ ગયા હતા. અકસ્માત સમયે કારમાં એક યુવતી સહિત ચાર જેટલા યુવાનો સવાર હતા. તે પૈકી પાછળ બેસેલા એક યુવાનને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો. જ્યારે ચાલક અને અન્ય યુવકો ફરાર થઈ ગયા હતા.અકસ્માત સર્જનાર કારનો માલિક મનોજ ડાખરા છે અને તેનો પુત્ર કીર્તન ડાખરા કાર ચલાવતો હતો. અકસ્માત કરીને બે ભાઈઓને મોતને ઘાટ ઉતારનાર નબીરા વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે.
અકસ્માત કરનાર કારચાલક વિરુદ્ધ બીએનએસની કલમ 105, 110, 281, 125 (એ), (બી) અને મોટર વહીકલ એક્ટની કલમ 177, 184 અને 134 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પીઆઈ કુલદીપસિંહ ચાવડાએ એ જણાવ્યું હતું કે, અકસ્માત કરીને કારચાલક ફરાર થઈ ગયો હતો. જોકે કારમાં પાછળ બેસેલા એક જૈમીશ ભીંગરાડિયા નામના યુવકને પકડી પાડવામાં આવ્યો છે. ત્રણ જેટલા ફરાર થઈ ગયા છે તેમાં એક યુવતીનો પણ સમાવેશ થાય છે. કારચાલક સહિત ત્રણે યુવકોએ નશો કર્યો હતો.યુવતીએ નશો કર્યો હતો કે નહિ પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. આ સાથે જ ફરાર આરોપીઓ પૈકી પોલીસે મુખ્ય આરોપી સહિત બે આરોપીઓને પકડી પાડયા છે.
પોલીસ કસ્ટડીમાં મુખ્ય આરોપી કીર્તન મીડિયા કેમેરા સામે રડવા લાગ્યો હતો. આ જ આરોપીએ બેફામ રીતે 130ની રફતાર કાર ચલાવી 6 લોકોને કચડી નાખ્યાં હતા. બે મોત નીપજ્યા હતા. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે