હું તારી સાથે લગ્ન કરવા માંગુ છુ પરંતુ મારા મિત્રો તારી ખાસ પરીક્ષા કરશે જો તું...
Trending Photos
તેજસ મોદી/સુરત : ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે તેવા દાવાઓ સરકાર અને તંત્ર દ્વારા કરવામાં આવતા રહે છે. જો કે સુરતમાં આવો કોઇ પ્રકારનો નિયમ કાયદો લાગુ નથી પડતો તેવું લાગી રહ્યું છે. છાશવારે કોઈને કોઈ શહેરમાં મહિલા હવસનો શિકાર બનતી રહે છે. સુરતમાં એક યુવતી સાથે ગેંગ રેપની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે. સુરતના ઉમરાના વિસ્તારમાં આવેલા નંદનવન સોસાયટીના એક બંગલામાં 27 વર્ષીય મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે ગેંગરેપ કરવાની ઘટના પ્રકાશમાં આવતા જ પોલીસના કાન સરવા થયા છે.
આ ઘટનામાં મુખ્ય સૂત્રધાર દ્વારા પીડિતાનો શારીરિક સંબંધ બાંધતો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઉમરા પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર સહિત 3 લોકો સામે ગુનો દાખલ કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. ઝોન 3ના ઇન્ચાર્જ ડીસીપી રાજદીપસિંહ નકુમે માહિતી આપતા જણાવ્યું હતું કે ઉમરા વિસ્તારના નંદનવન સોસાયટીના એક બંગલા નંબર 18 ખાતે રહેતા આરોપી જયેશ ઉર્ફે જય હેમંતની મુલાકાત 27 વર્ષીય મહિલા સાથે થઇ હતી. દોઢ મહિના પહેલાં બંને વચ્ચે થયેલી ઓળખાણ મિત્રતામાં પરિણમી હતી. આરોપી જય અને મહિલા વચ્ચે મુલાકાતો વધતાં તેમણે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.
જોકે આરોપી જયેશ ઉર્ફે જયે મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે તેના બંગલામાં જ શરીર સંબંધ બાંધ્યો હતો. આ સમયે આરોપી જયેશે મહિલાનો વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયોના આધારે જ્યેશ મહિલાને વારંવાર બ્લેકમેલ કરી શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો. દરમિયાન 8 મે 2022ના દિવસે સાંજે 6:30 વાગ્યે આરોપી જયેશ ઉર્ફે જય હેમંતે પોતાના બંગલા પર મહિલાને બોલાવી હતી. તે સમયે જયેશ સાથે તેના મિત્રો પણ ત્યાં હાજર હતાં.
જ્યાં જયેશે તેના પોતાના બેડરૂમમાં મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ જયેશે ત્યાં હાજર તેના મિત્ર યોગી પવાર અને ધ્રુવ સાથે બળજબરીથી પીડિતાને શરીર સંબંધ બાંધવા માટે મજબૂર કરી હતી. આ અંગે પીડિતાએ ના પાડતા આરોપીઓએ ભેગા મળી તેને ઢીકમુક્કીનો માર મારી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં આ ઘટના અંગે કોઇને કશું કહેવા પર જાનથી મારી નાખવાની ધમકીએ આપી હતી. મહિલા જેના કારણે ખૂબ ડરી ગઈ હતી. જોકે પીડિતના માનેલા ભાઈને ઘટનાની જાણ થતાં તેને સમજાવી પોલીસ ફરિયાદ કરવા તૈયાર કરી હતી. જેથી પીડિતા મહિલાએ આરોપી જયેશ ઉર્ફે જય હેમંત, યોગી પવાર અને ધ્રુવ સામે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મામલાની ગંભીરતા સમજી મુખ્ય આરોપી જય અને યોગીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે