પારસી સમાજને મોટા સંકટમાંથી બચાવશે આ સરકારી યોજના, વધારે છે સમાજની વસ્તી
Jiyo Parsi Scheme : પારસી સમુદાયની વસ્તી વધારવા કેન્દ્રનો પ્રયાસ... જીયો પારસી યોજના અંતર્ગત પારસી દંપતીને આપવામાં આવે છે સહાય, 400થી વધુ બાળકોનો જન્મદર નોંધાયો
Trending Photos
Parsi Community ધવલ પારેખ/નવસારી : ભારતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસીઓની વસ્તી દિવસે દિવસે ઘટી રહી છે. મોટી ઉંમરે લગ્ન પરતા પારસી દંપતીને બાળક કરવામાં મુશ્કેલી ઉભી થાય છે, જેના પરિણામે 25 ટકા પારસીઓ કુંવારા જ રહી જાય છે. ત્યારે ઘટતા પારસી સમાજ વિશે ચિંતિત ભારત સરકારે પારસી યુવાનો વહેલા લગ્ન કરે અને એક કરતા વધુ બાળકોને જન્મ આપે એવા ઉદ્દેશ્ય સાથે ફરી જીયો પારસી યોજના શરૂ કરી છે. જેને પારસી સમાજે આવકારી છે.
વર્ષો અગાઉ ઈરાનથી દરિયાઈ માર્ગે ભારતમાં ગુજરાતના સંજાણ બંદરે આવીને ઉતરેલા પારસીઓએ જાદે રાણાને દૂધમાં સાંકરની જેમ ભળી જવાનું વચન આપ્યુ અને ત્યારથી પારસીઓ દક્ષિણ ગુજરાતમાં શાંતિપ્રિય પ્રજા તરીકે વસ્યા છે. વર્ષો વીત્યા જેમાં પારસીઓએ સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે અનેક રીતે સામાજિક ઉત્થાન માટેના પ્રયાસો કર્યા અને પારસીઓને ભારતીયોએ અપનાવી લીધા હતા. પરંતુ વર્ષો બાદ ભારતમાં વસતા પારસીઓની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી હોવાથી ખુદ પારસીઓ જ નહીં, પણ ભારત સરકાર પણ ચિંતિત બની છે. ગત વર્ષ 2013 થી 2022 સુધીમાં ભારત સરકારોએ દિલ્હી સ્થિત પરઝોર સંસ્થા દ્વારા જિયો પારસી યોજના અમલમાં મુકી હતી. જેમાં પારસીઓને બાળક પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પરંતુ 9 વર્ષોમાં પારસી સમાજમાં અંદાજે 450 બાળકો જ જન્મ્યા હતા. જેથી યોજનાનો પારસી સમાજ જ યોગ્ય ઉપયોગ કરતો ન હોવાના વિચારે જિયો પારસી પડતી મુકવામાં આવી હતી. પરંતુ બાદમાં ભારત સરકારમાં પારસી આગેવાનો અને સંસ્થાઓની રજૂઆતોને ધ્યાને લઈ, ભારત સરકારના લઘુમતી આયોગ દ્વારા સુધારા સાથે ફરી જીયો પારસી યોજના શરૂ કરી છે. જેમાં મોટી ઉંમરે પારસી યુવાન લગ્ન કરે અને બાળક પેદા કરવામાં મુશ્કેલી પડે, તો IVF હેઠળ બાળક લાવવાનો પ્રયાસ કરે તો તેની પણ સંપૂર્ણ ખર્ચ, બાળક જન્મે પછી અને તેની સંભાળ રાખવા માટે પણ આર્થિક સહાય આપવામાં આવશે.
આ વિશે ભારત સરકારના લઘુમતી આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ કેરસી દેબુએ જણાવ્યું કે, ભારતના તમામ સમાજોમાં પારસી સમાજની વસ્તી સૌથી ઓછી છે. ગત 2011 ની વસ્તી ગણતરીમાં 57 હજારની વસ્તી ધરાવતા પારસીઓ અત્યારે એક અંદાજ મુજબ 12 હજાર ઘટીને 45 હજાર જ રહી ગઈ છે. ત્યારે સરકાર દ્વારા શરૂ કરેલી જિયો પારસી યોજનાને પારસી યુવાનોએ પણ વખાણી છે અને આવકારી છે. કારણ ભારતીય સમાજમાં પારસી સમાજનું વર્ચસ્વ જાળવી રાખવા પારસી યુવાનોએ પણ વહેલા લગ્ન કરી, એક કરતા વધુ બાળકોને જન્મ આપે અને સમાજને ટકાવી રાખવામાં પોતાનું યોગદાન આપે એવી અપીલ પણ કરી છે. સાથે જ પારસીઓ પ્રત્યે ભારત સરકારે દાખવેલી ચિંતા અને વસ્તી વધારવા પારસી દંપતીઓ અને પરિવારને આપેલ આર્થિક પીઠબળની પણ સરાહના કરી છે
પારસીઓની ઘટતી વસ્તીને વધારવા માટે સરકારે જિયો પારસી શરૂ કરી, પણ પારસીઓની રૂઢિગત વિચારધારા ભણતર અને સેટલ્ડ થયા પછી લગ્ન કરવા, એમાં નવીન વિચાર સાથે યુવાનો 25 થી 30 વર્ષ દરમિયાન લગ્ન કરતા થાય, તો પારસીઓની વસ્તીમાં વધારો થવાની સંભાવના પ્રબળ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે