બે રૂપિયાએ બગાડી રાજકોટના મેયરની છબી! જૂથવાદ થતા કોંગ્રેસે કહ્યું, ખૂલીને નામ આપી દો ને
Rajkot Mayor Kumbh Tour Controversy : રાજકોટના મેયરને સરકારી ગાડીમાં કુંભનો પ્રવાસ કરવો મોંઘો પડયો... મેયર નયનાબેન પેઢડિયાએ કુંભ પ્રવાસ માટે 34,780 રૂપિયા ભાડું ચુકવ્યુ...પ્રતિ કિલોમીટર 2 રૂપિયાના બદલે ફાયર વિભાગે 10 રૂપિયા લેખે ભાડું ઉઘરાવ્યું
Trending Photos
Rajkot News : રાજકોટ ભાજપમાં જૂથવાદની ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાના કુંભ પ્રવાસે ચર્ચા જગાવી છે. મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનના નિવેદનમાં વિરોધાભાસ જણાતા હવે રાજકોટમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેને કહ્યું કે, પ્રતિ કિમી 2ના લેખે પૈસા ચુકવવાનો ઠરાવ છે. તો મેયરે કહ્યું કે, ઠરાવમાં 2 રૂપિયા પ્રતિકિમીનો ઉલ્લેખ જ નથી. 2 રૂપિયામાં પ્રવાસની વાતથી મારી છબી ખરડાઈ છે. ત્યારે સવાલ એ છે કે, શું રાજકોટ મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન વચ્ચે ચાલી રહ્યો છે જૂથવાદ?
મહિલા તરીકે મારી ગરિમા ના જળવાઈ - મેયર
રાજકોટના મેયર નયનાબેનનો વિવાદિત કુંભ પ્રવાસ હવે રાજકોટના રાજકારણનો મુદ્દો બન્યો છે. પ્રજાના પૈસે તાગડધિન્ના કર્યા બાદ મેયરની સફાઈ સામે આવી છે. વિવાદ બાદ મેયર નયનાબેનની પ્રતિક્રિયા સામે આવી છે. મેયર નયનાબેન હવે પોતાના બચાવમાં આવી ગયા છે. રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ ખુલાસો કરતા કહ્યું કે, હું મહાનગર પાલિકા કમિશનરની પરવાનગી લઈને ગઈ હતી. મહિલા તરીકે મારી ગરિમા ના જળવાઈ. મેયર નયનાબેને મહાકુંભ પ્રવાસના રૂપિયા ચૂકવ્યા છે.
મારી સ્વચ્છ છબી અને ભ્રષ્ટાચાર મુક્ત વ્યવહાર કોઈને પચતો નથી - મેયર
રાજકોટ મહાનગરપાલિકામાં જૂથવાદ ચાલી રહ્યો છે. જેનો ખુદ મહિલા મેયર જ જૂથવાદના શિકાર બન્યા છે. પ્રયાગરાજ મહાકુંભ પ્રવાસ બાબતે મેયરે નિવેદન આપ્યું કે, બે રૂપિયા પ્રતિ કિલોમીટરના નિવેદન કરી મારી છબી ખરડાવી છે. બે રૂપિયા પ્રતિ કિલોમીટરનું નિવેદન સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા આપવામાં આવ્યું હતું. પ્રદેશ મને મોકો આપશે ત્યારે હું ચોક્કસ રજૂઆત કરીશ. મહિલા મેયર તરીકે મારી ગરિમા હણવાનો અમુક લોકો પ્રયાસ કરી રહ્યા છે. મારી સ્વચ્છ છબી અને ભ્રષ્ટાચાર મુક્ત વ્યવહાર કોઈને પચતો નથી.
ભાજપનો જૂથવાદ અને ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો - કોંગ્રેસ
રાજકોટ મેયરને ટાર્ગેટ કરવાના વિવાદનો મામલે વશરામ સાગઠિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભાગ બટાઈમાં વાંધો પડ્યો, ભાજપના પાપ છાપરે પોકારી રહ્યાં છે. રાજકોટના મેયરની પણ ક્યાક ભૂલ છે. મનપા સ્ટેન્ડીગ કમિટીના ચેરમેને જાહેર કર્યું હતું. 2 રૂપિયાના ઠરાવની વાત સ્ટેન્ડીગ કમિટીએ કરી હતી. મેયર તમે ખુલીને નામ આપી દો, કોની બીક છે. હું મેયરની કહેવા માંગીશ કે તમે ભ્રષ્ટાચાર ન કરતા હોય તો જે કરતા હોટ તેને ખુલા પાડી દો. તો શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીએ કહ્યું કે, રાજકોટના મેયર મહાકુંભમાં ગયા હતા અમે પણ કહ્યું હતું 2 રૂપિયામાં ન જઇ શકાય. ભાજપનો જૂથવાદ અને ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ કહ્યું કે, રાજકોટના પ્રથમ નાગરિક જે મીડિયા સમક્ષ સામે આવ્યા તે ગંભીર બાબત છે. અત્યારે કિલોમીટરનો ભાવ 17 થી 18 રૂપિયા લેવામાં આવે તેવી માંગ કરી છે. અંદરો અંદરનો વિખવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. આજે મેયર ખુલાસો કરી નાખવો જોઈએ. રાજકોટના લોકોએ હવે લેખા જોખા કરવા જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે