સરકારે આ લોકો માટે ખોલ્યો ખજાનો, ગુજરાતના 10 જિલ્લાના લોકોને મળશે આ યોજનાનો સીધો લાભ
Government Scheme : ગુજરાતે જાહેર કરી જી-સફલ: અંત્યોદય પરિવારોની 50 હજાર મહિલાઓ હવે કરશે પરિવારનું ઉત્થાન... અંત્યોદય પરિવારની આવકના સ્ત્રોત વધારીને ટકાઉ આજીવિકા માટે યોગ્ય માર્ગદર્શન અપાશે... 10 જિલ્લામાં 25 તાલુકાના અંત્યોદય અન્ન યોજના કાર્ડધારકોને મળશે અનુદાન
Trending Photos
Sarkari Yojna : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે અંત્યોદય પરિવારની આજીવિકામાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી જી-સફલ (ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગ્મેન્ટિંગ લાઇવલીહુડ્સ -અંત્યોદય પરિવારોની આજીવિકા વધારવા માટે ગુજરાતની યોજના) આ વર્ષે જાહેર કરી છે જે આગામી પાંચ વર્ષના સમયગાળામાં રાજ્યના 10 જિલ્લા અંતર્ગત 25 તાલુકાના 50 હજાર અંત્યોદય અન્ન યોજના (એએવાય) કાર્ડ ધારક પરિવારોને લાભ પહોંચાડશે.
આ યોજનાનું અમલીકરણ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં અંત્યોદય પરિવારોને આજીવિકા, નાણાકીય સમાવેશ અને સામાજિક વિકાસ માટે સહયોગ પૂરો પાડવામાં આવશે. આ કાર્યક્રમમાં આર્થિક સહાયની સાથે કૌશલ્ય તાલીમ અને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે જેથી પરિવારોને અત્યંત ગરીબીમાંથી બહાર લાવી શકાય.
જી-સફલના ચાર સ્તંભ
- આ યોજનાનું નિર્માણ ચાર મુખ્ય સ્તંભ પર કરવામાં આવ્યું છે-
- સામાજિક સુરક્ષા: સરકારી યોજનાઓ સુધી પહોંચ અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવી.
- આજીવિકા નિર્માણ: સંપત્તિનું સર્જન કરવા અને આવક માટે વિવિધ સ્ત્રોતોનું નિર્માણ કરવા માટે અનુદાન (ગ્રાન્ટ).
- નાણાકીય સમાવેશ: બેંકો, બચત, ધિરાણ અને વીમા સેવાઓ સાથે લાભાર્થીઓને જોડવા.
- સામાજિક વિકાસ અને સશક્તિકરણ : જીવન કૌશલ્ય તાલીમ અને સ્વ સહાય જૂથોની ભાગીદારીને પ્રોત્સાહન.
આ યોજના દ્વારા અંત્યોદય પરિવારને ટકાઉ આજીવિકા મળે તે હેતુસર તેમના માટે વધારાના આવકના સ્ત્રોત ઊભા કરવામાં આવશે. તેમને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવશે. આજીવિકાના નવા સ્ત્રોત બનાવવા માટે તેમને ₹ 80 હજારનું અનુદાન આપવામાં આવશે.
કઈ રીતે લાગુ થશે યોજના ?
આ યોજનાના અમલીકરણ માટે પાત્રતા ધરાવતા કાર્ડધારકોમાં સૌથી ગરીબ પરિવારોની ઓળખ કરવામાં આવશે. મોટાભાગે આ પ્રકારના પરિવારોમાં કોઈ ચોક્કસ આવકનો સ્ત્રોત ન હોવાથી તેમના માટે વધારાની આવક ઊભી કરવા માટે નવા સ્ત્રોતનું નિર્માણ કરવામાં આવશે જેથી તેમની આવક ટકાઉ બને. તેના માટે તેમને અનુદાન આપવામાં આવશે તેમજ નવી આવકને ટકાવી રાખવા માટે યોગ્ય તાલીમ અને માર્ગદર્શન પણ આપવામાં આવશે. તમામ લાભાર્થી પરિવારોમાં ઓછામાં ઓછા આવકના બે સ્ત્રોત હોય તે સુનિશ્વિત કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. આવકના સ્ત્રોતનું નિર્માણ બજારમાં રહેલી તકો, પ્રવર્તમાન કૌશલ્ય અને લાભાર્થી પરિવારને લાગુ પડતી અન્ય બાબતો પર નિર્ભર રહેશે. લાભાર્થીઓને યોગ્ય તાલીમની સાથે બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે જોડવાની કામગીરી પણ કરવામાં આવશે. આ પરિવારોને માર્ગદર્શન આપવા માટે ફિલ્ડ કૉચની નિમણૂક કરવામાં આવી છે.
મહિલા સશક્તિકરણ અને સમુદાયોને મજબૂત બનાવવાનો નિર્ધાર
જી-સફલનું એક અનોખું પાસું મહિલા સશક્તિકરણનું છે, જેમાં 1 ફિલ્ડ કૉચ 40 પરિવારો સુધી પહોંચીને વ્યક્તિગત રીતે તાલીમ પ્રદાન કરશે. આ યોજનામાં ટેક્નોલોજી પર પણ ભાર મૂકવામાં આવ્યો છે જેમાં રાજ્ય સ્તરના ડિજીટલ ડેશબોર્ડની મદદથી યોજનાની પ્રગતિ, ફંડની ચૂકવણી અને પરિવારોના વિકાસના માપદંડોનું રિયલ ટાઇમ ટ્રેકિંગ કરવામાં આવશે.
જિલ્લા અને તાલુકાની યાદી
રાજ્યના જે જિલ્લા અને તાલુકામાં આ યોજના લાગુ કરવામાં આવી છે તે આ પ્રમાણે છે: બનાસકાંઠા (તાલુકો-થરાદ), પાટણ (સાંતલપુર), કચ્છ (રાપર, લખપત), સુરેન્દ્રનગર (સાયલા), છોટાઉદેપુર (કવાંટ, નસવાડી), પંચમહાલ (ઘોઘંબા), દાહોદ (ગરબાડા, ધાનપુર, સિંઘવડ, દેવગઢબારીયા, ફતેપુરા, ઝાલોદ, દાહોદ, લીમખેડા, સંજેલી), નર્મદા (નાંદોદ, ગરુડેશ્વર, સાગબારા, તિલકવાડા, ડેડીયાપાડા) તાપી (કુકરમુંડા ,નિઝર) અને ડાંગ (સુબીર).
જાન્યુઆરી 2023માં ભારત સરકારની 500 મહત્વાકાંક્ષી બ્લોક્સમાં જીવનની ગુણવત્તા સુધારવા માટેની પહેલ એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ (ABP) સાથે આ યોજના સુસંગત છે. જી-સફલ યોજના આજીવિકા વિકાસ અને મૂળભૂત સેવાઓના ઉન્નતિકરણ પર કેન્દ્રિત રહી સામાજિક અને આર્થિક વિકાસ સુનિશ્ચિત કરશે. આ પહેલ રાજ્યના મહત્વાકાંક્ષી વિસ્તારોમાં સતત વિકાસ અને સમૃદ્ધિ લાવવાના દ્રષ્ટિએ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે