પાટીદારના નેતૃત્વમાં રમશે વિરાટ...જાણો કોહલી કેમ ના બન્યો RCBનો કેપ્ટન ?

RCB Captain : રજત પાટીદારને RCBના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. વિરાટ કોહલી ફરીથી સુકાનીપદ સંભાળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી પરંતુ ફ્રેન્ચાઈઝીએ તેના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા છે, ત્યારે આ લેખમાં જાણીશું કે કોહલી કેમ RCBનો કેપ્ટન ના બન્યો. 

  પાટીદારના નેતૃત્વમાં રમશે વિરાટ...જાણો કોહલી કેમ ના બન્યો RCBનો કેપ્ટન ?

RCB Captain : બેટ્સમેન રજત પાટીદાર IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. RCBએ ગુરુવારે એક કાર્યક્રમમાં 31 વર્ષીય પાટીદારની કેપ્ટન તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી. ફાફ ડુ પ્લેસિસને IPL 2025ની મેગા હરાજી પહેલા રિટેન ના કરાતા RCBના નવા કેપ્ટન વિશે ઘણી અટકળો ચાલી રહી હતી. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફરીથી RCBનો કેપ્ટન બનશે તેવી આશા હતી પરંતુ ફ્રેન્ચાઈઝીએ તેના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા હતા. કોહલી 2013 થી 2021 વચ્ચે RCBનો કેપ્ટન હતો, ત્યારબાદ ડુ પ્લેસિસને જવાબદારી મળી. ત્યારે આ લેખમાં જાણીશું કે, કોહલીને બદલે પાટીદાર કેમ RCBનો કેપ્ટન બન્યો ? 

છેલ્લા કેટલાક વર્ષોમાં પાટીદાર RCBનો મહત્વનો હિસ્સો રહ્યો છે. તેણે કોહલી સાથે મળીને ઘણી મેચોમાં ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી છે. તેણે 2021માં RCB માટે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. જો કે, 2022ની હરાજીમાં રજત અનસોલ્ડ રહ્યો હતો, પરંતુ આરસીબીએ ફરીથી તેના પર વિશ્વાસ દર્શાવ્યો અને તે રિપ્લેસમેન્ટ તરીકે પરત ફર્યો. તેણે 2022, 2023 અને 2024માં સારું પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં RCBએ 18મી સીઝન માટે પાટીદારને રિટેન કર્યો હતો. RCBએ IPL 2025ની હરાજી પહેલા માત્ર ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા હતા, જેમાં પાટીદાર, કોહલી અને ઝડપી બોલર યશ દયાલનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં પાટીદાર ટીમ માટે કેટલો મહત્વનો છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ નથી. તેને 11 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો.

ડોમેસ્ટિક ક્રિકેટમાં કેપ્ટન્સી

પાટીદારનું ડોમેસ્ટિક ક્રિકેટમાં કેપ્ટન તરીકે સારું પ્રદર્શન રહ્યું છે. તેણે મધ્યપ્રદેશ ટીમની કેપ્ટન્સી કરી પોતાની નેતૃત્વ ક્ષમતા દર્શાવી છે. આ દરમિયાન તેનું બેટ પણ ચાલ્યું છે. તેના નેતૃત્વ હેઠળ, મધ્યપ્રદેશે ડોમેસ્ટિક T20 ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024ની ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. જોકે, મધ્યપ્રદેશને ફાઇનલમાં મુંબઈના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ODI ફોર્મેટમાં યોજાતી વિજય હજારે ટ્રોફીમાં પણ સારી કેપ્ટનશીપ કરી હતી. જો કે વિજય હજારે ટ્રોફીમાં ટીમ સેમી ફાઇનલમાં પહોંચી શકી ન હતી.

RCBને નવા નેતૃત્વ પાસેથી નવી આશા

RCB હવે નવા નેતૃત્વમાં વિશ્વાસ મેળવવા માંગે છે. 2008માં ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થઈ ત્યારથી આરસીબીએ એક પણ આઈપીએલ ટ્રોફી જીતી નથી. ફ્રેન્ચાઈઝીને આશા છે કે પાટીદાર ટ્રોફીના દુકાળનો અંત લાવી શકશે. RCBના મુખ્ય કોચ એન્ડી ફ્લાવરે કહ્યું કે, રજતમાં સાદગી છે, તે તેની આસપાસના લોકોનું ધ્યાન રાખે છે. તેણે મધ્યપ્રદેશનું નેતૃત્વ કેવી રીતે કર્યું તે અમે નજીકથી જોયું છે, અમને તે ખૂબ જ ગમ્યું. RCB મેનેજમેન્ટ ઉપરાંત કોહલીને પાટીદારની નેતૃત્વ ક્ષમતામાં પણ વિશ્વાસ છે. પાટીદારને કેપ્ટન બનાવવામાં આવ્યા પર કોહલીએ કહ્યું હતું કે, અભિનંદન રજત. તમે તમારા પ્રદર્શનથી RCB ચાહકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. મને ખાતરી છે કે તમે ફ્રેન્ચાઈઝીને આગળ લઈ જશો. પાટીદારે અત્યાર સુધી 27 IPL મેચોમાં 34.74ની એવરેજથી 799 રન બનાવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news