Champions Trophy માટે ઈનામી રકમ જાહેર, વિજેતાને મળશે કરોડો, હારનારી ટીમ પણ બનશે માલામાલ

Champions Trophy Prize Money : ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ઈનામી રકમની જાહેરાત કરી છે. વિજેતા ટીમને કરોડો રૂપિયા મળશે. જ્યારે હારનાર ટીમો પણ માલામાલ થશે. ICC દ્વારા આ ટુર્નામેન્ટ માટે કુલ ઈનામી રકમ 6.9 મિલિયન ડોલર નક્કી કરવામાં આવી છે. ત્યારે આ ટ્રોફી જીતનાર ટીમને કેટલા રૂપિયા મળશે અને હારનાર ટીમને કેટલા રૂપિયા મળશે તેના વિશે આ લેખમાં જાણીશું.

Champions Trophy માટે ઈનામી રકમ જાહેર, વિજેતાને મળશે કરોડો, હારનારી ટીમ પણ બનશે માલામાલ

Champions Trophy Prize Money : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ વખતે આ ટુર્નામેન્ટ 'હાઈબ્રિડ મોડલ' હેઠળ રમાનાર છે અને પાકિસ્તાન યજમાન છે. ટુર્નામેન્ટની મેચો પાકિસ્તાનના અને દુબઈમાં યોજાશે. ટૂર્નામેન્ટની શરૂઆત 19 ફેબ્રુઆરીએ કરાચીમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે રમશે.

ઈનામની રકમમાં બમ્પર વધારો

હવે ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈનામી રકમની જાહેરાત કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની વિજેતા ટીમને 2.24 મિલિયન ડોલર એટલે કે લગભગ 19.46 કરોડ રૂપિયા મળશે. જ્યારે ઉપવિજેતા ટીમને 1.12 મિલિયન ડોલર એટલે કે લગભગ 9.73 કરોડ રૂપિયા મળશે. સેમિફાઇનલમાં હારનાર બંને ટીમોને સમાન રકમ 5,60,000 ડોલર એટલે કે લગભગ રૂપિયા 4.86 કરોડ મળશે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં દરેક મેચ મહત્વની રહેશે. ગ્રુપ સ્ટેજમાં મેચ જીતવા પર ટીમને 34000 ડોલર એટલે કે 29.53 લાખ રૂપિયા મળશે. જ્યારે પાંચમા અને છઠ્ઠા ક્રમે આવનાર ટીમોને સમાન રકમ 3,50,000 ડોલર એટલે કે  3.04 કરોડ રૂપિયા મળશે. જ્યારે સાતમા અને આઠમા ક્રમે આવનાર ટીમોને સમાન 1,40,000 ડોલર એટલે કે લગભગ રૂ. 1.22 કરોડ મળશે. આ સિવાય તમામ આઠ ટીમોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે 1,25,000 ડોલર એટલે કે લગભગ 1.09 કરોડ રૂપિયા આપવામાં આવશે. ICC આ ટૂર્નામેન્ટમાં કુલ 6.9 મિલિયન ડોલર એટલે કે લગભગ 60 કરોડ રૂપિયાની ઈનામી રકમનું વિતરણ કરશે. જે 2017 કરતા 53 ટકા વધુ છે.

 

— ICC (@ICC) February 14, 2025

8 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન

8 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલા આ ટૂર્નામેન્ટ છેલ્લે વર્ષ 2017માં ઈંગ્લેન્ડમાં યોજાઈ હતી. જેમાં પાકિસ્તાન ફાઇનલમાં ભારતને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. હવે 8 વર્ષ બાદ રમાઈ રહેલી આ આઈસીસી ઈવેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે જેને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશની ટીમો છે જ્યારે ગ્રુપ Bમાં ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડની ટીમો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news