'ગ્લોબલ વોર્મિંગ' શબ્દ આપનારા વૈજ્ઞાનિકનું 87 વર્ષની વયે નિધન

કોલંબિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિક વોલેસ સ્મિથ બ્રોકર સૌ પ્રથમ વખત 1975માં તેમના નિબંધમાં 'ગ્લોબલ વોર્મિંગ' (જળવાયુ પરિવર્તન) શબ્દનો પ્રયોગ કરીને વિશ્વને ચેતવણી આપી હતી, તેઓ જળવાયુ વિજ્ઞાનના પિતામહ તરીકે ઓળખાય છે 
 

'ગ્લોબલ વોર્મિંગ' શબ્દ આપનારા વૈજ્ઞાનિકનું 87 વર્ષની વયે નિધન

ન્યૂયોર્કઃ આજે આપણે 'ગ્લોબલ વોર્મિંગ' (જળવાયુ પરિવર્તન) શબ્દથી સારા એવા પરિચિત છીએ. દુનિયાને આ શબ્દ આપનારા અને તેની અસરો અંગે ચેતવણી આપનારા વૈજ્ઞાનિકનું 87 વર્ષની વયે ન્યૂયોર્કમાં નિધન થઈ ગયું. કોલંબિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિક વોલેસ સ્મિથ બ્રોકર સૌ પ્રથમ વખત 1975માં તેમના નિબંધમાં 'ગ્લોબલ વોર્મિંગ' (જળવાયુ પરિવર્તન) શબ્દનો પ્રયોગ કરીને વિશ્વને ચેતવણી આપી હતી.

કોલંબિયા યુનિવર્સિટીએ જણાવ્યું કે, લાંબા સમયથી પ્રોફેસર અને સંશોધક રહેલા એવા વોલેસ સ્મિથનું સોમવારે ન્યૂયોર્ક સિટી હોસ્પિટલમાં અવસાન થઈ ગયું હતું. 

યુનિવર્સિટી લેમોન્ડ-ડોહેર્ટી અર્થ ઓબ્ઝર્વેટરી વિભાગના પ્રવક્તાએ જણાવ્યું કે, વોલેસ છેલ્લા ઘણા મહિનાથી બિમાર હતા. 

વોલેસ બ્રોકરે 1975માં લખેલા એક નિબંધમાં 'ગ્લોબલ વોર્મિંગ' નામના શબ્દનો સૌ પ્રથમ વખત પ્રયોગ કર્યો હતો અને ત્યાર બાદ આ શબ્દ સમગ્ર દુનિયામાં પ્રચલિત બન્યો હતો. તેમણે પોતાના આ નિબંધમાં લખ્યું હતું કે, વિશ્વના વાતાવરણમાં વધતા જતા કાર્બન ડાયોક્સાઈડના પ્રમાણને કારણે દુનિયાના તાપમાનમાં વધારો થશે. 

આ ઉપરાંત તેમણે બ્રોકરે સૌ પ્રથમ વખત 'ઓસિયન કોન્વેયર બેલ્ટ' (સમુદ્રના ઊંડાણમાં સતત થતી હિલચાલ)ની ઓળખ કરી હતી અને તેના વિશે વિશ્વને વિસ્તૃત સમજૂતી આપી હતી. તેમણે જણાવ્યું કે, સમુદ્રમાં જે કરંટ આવે છે તેના કારણે પાણી અને પોષક તત્વોની એક આખી ગ્લોબલ સિસ્ટમમાં ફેરફાર થાય છે. 

વોલેસ બ્રોકરનો જન્મ 1931માં શિકાગો ખાતે થયો હતો અને ઓક પાર્કમાં તેમનો ઉછેર થયો હતો. વર્ષ 1959માં તેમણે કોલંબિયા યુનિવર્સિટી એક ફેકલ્ટી તરીકે જોઈન કરી હતી. વોલેસ બ્રોકરને 'ગ્રાન્ડફાધર ઓફ ક્લાઈમેટ સાયન્સ' (જળવાયુ વિજ્ઞાનના પિતામહ) તરીકે ઓળખવામાં આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news