દારૂ વેચતી મહિલા બૂટલેગરો માટે પોલીસનું અનોખું અભિયાન, હવે આ રીતે ઘર બેઠા રોજગારની તકો ઉભી કરશે

દારુ વેચાણની પ્રવૃત્તિમાં સંકળાયેલી વડોદરા જિલ્લાની 300 જેટલી મહિલાઓને પોલીસ આર્થિક પગભર બનાવશે. આર્થિક અને સામાજિક કારણોથી મને-કમને દારુ વેચી જીવન નિર્વાહ કરતી મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવા સુરક્ષા સેતુ સોસાયટી, વડોદરા ગ્રામ પોલીસનું સંવેદનાસભર અભિયાન.

દારૂ વેચતી મહિલા બૂટલેગરો માટે પોલીસનું અનોખું અભિયાન, હવે આ રીતે ઘર બેઠા રોજગારની તકો ઉભી કરશે

ઝી બ્યુરો/વડોદરા: જીવનમાં આવી પડેલી પડેલી સામાજિક અને આર્થિક વિપત્તિને કારણે દારુ વેચાણ જેવી પ્રવૃત્તિ ઉપર ચઢી ગયેલી વડોદરા જિલ્લાની 300 જેટલી મહિલાઓને તેમના સ્વમાન સાથે મુખ્ય પ્રવાહમાં લાવવાનું સદ્દકાર્ય વડોદરા ગ્રામ્ય પોલીસે હાથ ધર્યું છે. આવી મહિલાઓને સાધન સહાય આપી આર્થિક રીતે પગભર બનાવવા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે કમર કસી છે. 

આ અભિયાન પાછળની ભૂમિકા રસપ્રદ છે. દારુ વેચાણ અને સેવન કરવા જેવી પ્રવૃત્તિને ડામવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા રોજબરોજ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તેમાંય ખાસ કરીને દેશી દારુની હાટડા ઉપર રેડની કાર્યવાહી કરવામાં આવે ત્યારે બહુધા કિસ્સામાં તેમાં મહિલાઓ સંકળાયેલી જોવા મળે છે. મહિલાઓને આવી પ્રવૃત્તિમાંથી કાયમ રીતે બહાર કાઢવા માટે જિલ્લા પોલીસ વડા રોહન આનંદે આવી મહિલાઓનું સર્વેક્ષણ કરાવ્યું અને તેને વૈકલ્પિક રીતે કેવી રીતે આર્થિક પગભર બનાવી શકાય એ દિશા ખોલવા પોલીસ તથા સામાજિક સંસ્થાઓની મદદ લીધી. 

પોલીસ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં એવા તથ્યો બહાર આવ્યા કે, દેશી દારૂના વેચાણ સાથે સંકળાયેલી મહિલાઓ પૈકી 40 ટકા જેટલી વિધવા છે, પતિના અવસાન બાદ દારુણ સ્થિતિ આવી પડી હતી. અન્ય મહિલાઓ તેમના પતિ દ્વારા ત્યજી દેવા કે છોડીને જતા રહેવા, પતિ વિકલાંગ હોવા જેવાના કારણોથી આવી પ્રવૃત્તિ મનેકમને કરતી હતી. આ જ પ્રવૃત્તિ શા માટે? આ પ્રશ્નનો ઉત્તર પણ ઉક્ત નિરીક્ષણમાં મળ્યો. એક તો મહિલાઓની સામાજિક સ્થિતિ એવી હતી કે તે ઘરની નજીક જ કામ કરી શકે અને બીજું કે આ પ્રવૃત્તિમાં બહુ શારીરિક મહેનત કરવી પડતી નથી. 

આવા તારણોને ધ્યાને રાખી વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા અભિયાન આદરવામાં આવ્યું છે. દારુ વેચાણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી મહિલાઓને વૈકલ્પિક રોજગારી આપી તેને આર્થિક રીતે પગભર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષા સેતુ સોસાયટી, વડોદરા ગ્રામ્ય પોલીસ અને આઇસીઆઇસીઆઇ ફાઉન્ડેશનના સહયોગથી આવી મહિલાઓને બ્યુટીપાર્લર કામની તાલીમ આપી માતબર રકમની કિટ આપવામાં આવશે. તબક્કાવાર પોલીસના સહયોગથી આ મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે. મહિલાને સદર તાલીમથી ઘર બેઠા રોજગારની તકો ઉભી કરી શકે છે. તેમજ તેઓ પોતાની જાતે પગભર થઈ શકે છે. સદર તાલીમ તમામ મહિલાઓને વિના મુલ્યે આપવામાં આવશે. તેમજ તાલીમ પૂર્ણ થયા પછી બ્યુટી પાર્લર વ્યવસાય શરૂ કરવા માટે કીટ આપવામાં આવશે. 

પ્રથમ તબક્કામાં 300 મહિલાઓને આ અભિયાનમાં આવરી લેવામાં આવી છે. લક્ષ્યાંકિત મહિલાઓની જિલ્લા પોલીસ સ્ટેશન વાઈઝ સંખ્યા જોઇએ તો પાદરામાં 29, વડુમાં 28, વરણામામાં 25, વડોદરા તાલુકામાં 32, સાવલીમાં 13, ભાદરવામાં 10, મંજૂસરમાં 47, ડેસરમાં 22, ડભોઇમાં 50, વાઘોડિયામાં 30, કરજણમાં 79, શીનોરમાં 37, ચાણોદમાં 23 અને જરોદમાં 11 છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news