'અમારો એક ગયો, એટલે તમારો પણ એક જશે', પુત્રના મોતનો બદલો લેવા માતાએ પુત્રવધૂના ભાઈને પતાવ્યો!
રાજકોટની નજીક સરધાર પાસે સર ગામની સીમમાં શનિવારે(18 જાન્યુઆરી) બપોરે 3 વાગ્યાના અરસામાં ગિરીશ રાઠોડ નામના યુવકની બેરહેમીપૂર્વક હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટના સરધાર પાસે સર ગામની સીમમાં થયેલી હત્યાનો ભેદ આજીડેમ પોલીસે ઉકેલી નાખ્યો છે. 8 જેટલા છરીના ઘા ઝીંકી બેરહેમીથી યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. પોલીસને શંકા હતી કે બદલો લેવા હત્યા થઈ છે. જ્યારે આરોપી મહિલાની ધરપકડ થઈ ત્યારે આરોપીએ કબુલ્યું હતું કે, પુત્રના આપઘાત પાછળ પુત્રવધુ જવાબદાર હતી. જેથી તેનો બદલો લેવા પુત્રવધૂને ભાઈની હત્યા કરી હતી. પોલીસે આરોપી મહિલા સહિત બે સગીરની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
- સર ગામે થયેલી હત્યાનો ઉકેલાયો ભેદ..
- પુત્રના વિયોગમાં બદલો લેવા માતાએ ઘડ્યો હતો હત્યાનો પ્લાન..
- દીકરાએ છૂટાછેડા થઇ જતા દોઢ માસ પહેલા કર્યો હતો આપઘાત..
- આરોપીએ હાથમાં દીકરાના ફોટા વાળું ટેટુ ત્રોફાવી લખ્યું, 'મારો સાવજ'
રાજકોટ પોલીસના સકંજામાં રહેલી આ મહિલાનું નામ સોનલબેન ઉર્ફે સોલુબેન સોહલીયા છે. આરોપી સોનલબેન પર પુત્રવધુના ભાઈની હત્યા કરવાનો આરોપ છે. રાજકોટ નજીકના સરધારાના સર ગામે ગત તારીખ 18 જાન્યુઆરી 2025ના રોજ અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. જે અંગે તપાસ કરતા આ લાશ સરધાર બસ સ્ટેન્ડમાં ઈલેક્ટ્રિકની દુકાન ધરાવતા ગિરીશ દિલીપભાઈ રાઠોડની હોવાનું ખુલ્યું હતું.
પ્રાથમિક તપાસમાં મૃતક પોતાની માતાના ઓપરેશન માટે રામોદ જવા માટે સરધાર ગામેથી નીકળ્યા બાદ સર ગામે પહોંચ્યો હતો. ત્યારે તેને આંતરી ઉપરાછાપરી 8 ઘા શરીરના અલગ અલગ ભાગોમાં મારી હત્યા નિપજાવવામાં આવી હતી. પોલીસ તપાસમાં હત્યા પાછળનું કારણ બદલો લેવાની ભાવના હોવાનું સામે આવ્યું હતું અને તેમાં મૃતક યુવકની બહેનના પૂર્વ સાસુ સોનલબેન ઉર્ફે સલુબેન સોહલિયા (ઉ.વ.50) સાથે બે સગીર આરોપીઓની સંડોવણી ખુલી હતી. પોલીસે આરોપી સોનલબેન અને 2 સગીરની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
શા માટે કરી હત્યા ?
આરોપી સોનલબેનની પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, પુત્ર અજય સોહલીયાના તેની પત્ની જયશ્રી રાઠોડ સાથે છૂટાછેડા થઇ જતા દોઢ માસ પહેલા અજયને પૂર્વ પત્ની જયશ્રી સાથે બોલાચાલી થઈ હતી અને અજયે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધી હતો. આપઘાત કરવા પાછળનું કારણ એ હતું કે પુત્ર અજયનું બીજે ક્યાંય સગપણ નક્કી કરવામાં આવતું તો પૂર્વ પત્ની જયશ્રી સગપણ થવા દેતી નહોતી. માતાએ એકનો એક પુત્ર ગુમાવતા પુત્રના વિયોગમાં મહિલાએ હત્યા કરવા નિર્ણય કર્યો હતો અને અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર લાઇવ કરી બદલો લેવા રટણ રટતા હતા. જેથી ગત 18 તારીખે પ્લાન બનાવી જયશ્રીના ભાઈ ગિરીશ રાઠોડની બેરહેમી પૂર્વક હત્યા નિપજાવી હતી. આરોપી માતા સોનલબેને તેના પુત્રના વિયોગમાં રહેતી હતી અને દીકરાની યાદમાં તેને હાથમાં તેના ફોટા વાળું ટેટુ ત્રોફાવી 'મારો સાવજ' લખાવ્યું હતું.
પોલીસના કહેવા મુજબ, આરોપી સોનલબેન ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થતી હતી અને મૃતક ગિરીશના માતા લાભુબેનને ધમકી આપી હતી કે, અમારો એક ગયો છે એટલે તમારો પણ એક જશે.! આરોપી સોનલબેને બે સગીર બાળકો સાથે મળી ગીરીશને મારી નાખવાનો પ્લાન બનાવી સરધાર જઇ રેકી કરી મૃતક ગિરીશ ઘરે જવા પોતાનુ બાઇક લઇને નીકળેલ ત્યારે પોતાના વાહનોમા પીછો કરી ગિરીશને રોકી તેની સાથે બોલાચાલી કરી ઝગડો કરી શરીરે છરીના આડેધડ ઘા મારી ગંભીર ઇજાઓ કરી મોત નીપજાવેલ હોવાનુ સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી જેલના સળીયા ગણતા કરી દીધા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે